પટનાઃ ભાજપના મંત્રી ગિરિરાજ સિંહ બિહારમાં હિન્દુ સ્વાભિમાન યાત્રાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે JDUએ આ યાત્રા પર વિરોધ દર્શાવ્યો છે. JDUએ માગનો પણ વિરોધ કર્યો છે, જેમાં ભાજપના એક વિધાનસભ્યએ સીમાંચલના કેટલાક જિલ્લાઓને મળીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની માગ કેન્દ્ર સરકારથી કરી છે. વિધાનસભા ચૂંટણી પહેલાં JDU અને ભાજપની વચ્ચે મતભેદો રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
બીજી બાજુ, ઝારખંડમાં NDAની પાર્ટીઓ સાથે બેઠકોની વહેંચણીને લઈને ભાજપ નેતા અને આસામના CM હિમંતા બિશ્વા સરમાના નિવેદન પર JDUએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે હજુ ગઠબંધન માટે બેઠકો પર સંમતિ નથી બની. બિહારમાં મંત્રી અશોક ચૌધરીએ કહ્યું હતું કે વાતચીત હજું ફાઇનલ નથી થઈ. ભાજપના હાઇકમાન્ડ સાથે વાતચીત ચાલી રહી છે. ચૌધરીને પૂછવામાં આવ્યું હતું કે ઝારખંડમાં ભાજપ બે બેઠક આપવાની વાત કરી રહી છે. તેના પર ચૌધરીએ કહ્યું હતું કે હજી વાતચીત થઈ રહી છે. વાતચીત બાદ જ કંઈક કહી શકાશે.
રાંચીમાં ભાજપના ઝારખંડ પ્રભારી હિમંતા બિશ્વા સરમાએ કહ્યું હતું કે 9 થી 11 બેઠકો પર વાતચીત થઈ રહી છે. વળી, JDU સાથે બે બેઠકો પર ચર્ચા ચાલી રહી છે. આ બંને પાર્ટીઓ સિવાય ચિરાગ પાસવાન સાથે પણ આસામના CMએ વાત કરી હતી. ચૂંટણીની જાહેરાત થયાના 48 કલાક બાદ ઉમેદવારોની પણ જાહેરાત કરી દેવામાં આવશે. જોકે હાલ પાર્ટીએ તમામ ગઠબંધનની બેઠક ફાઇનલ નથી કરી અને પાર્ટીના નેતૃત્વ સાથે વાતચીત બાદ જ જાહેરાત કરવામાં આવશે.