અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ-કાર્ય 2025માં પૂરું થશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરમાં વર્ષ 2023ના ડિસેમ્બર મહિનાથી સામાન્ય લોકો માટે દર્શન શરૂ થશે. રામ મંદિર ટ્રસ્ટનાં સૂત્રોના જણાવ્યા મુજબ 2025 સુધી રામ મંદિરનું બાંધકામ પૂરું થઈ જશે. ગયા વર્ષે પાંચ ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણના કાર્યનો  શુભારંભ કર્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર દર્શન અને બાંધકામ કાર્ય સાથે-સાથે ચાલતાં રહેશે. રામ મંદિર નિર્માણમાં સ્ટીલ અને ઈંટનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો. મુખ્ય મંદિરનું નિર્માણ પાંચ એકર જમીન પર કરવામાં આવશે અને બાકીની જમીન પર સંગ્રહાલય અને પુસ્તકાલય વગેરે જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. IIT બોમ્બે, દિલ્હી, મદ્રાસ, ગુવાહાટીના નિષ્ણતો અને કેન્દ્રીય ભવન અનુસંધાન સંસ્થા, રૂડકીના નિષ્ણાત અને એલ એન્ડ ટી તેમ જ ટાટા ગ્રુપના એન્જિનિયર યોજનામાં યોગદાન આપી રહ્યા છે.રામ મંદિરનું કોમ્પ્લેક્સ 2025 સુધી બનીને તૈયાર થઈ જશે. અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થળે  ભાજપે દાયકાઓથી મંદિર બનાવવાનું વચન આપ્યું હતું. મુખ્ય મંદિર ત્રણ માળનું હશે, જેમાં પાંચ મંડપ હશે. મંદિરની લંબાઈ 360 ફૂટ છે અને પહોળાઈ 235 ફૂટ છે. દરેક માળની ઊંચાઈ 20 ફૂટ હશે.
રામ મંદિરનું રાજકીય રીતે મહત્ત્વ છે, કેમ કે આગામી લોકસભાની ચૂંટણી 2024ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં થવાની છે. જો કામ યોજના અનુસાર થયું તો સત્તારૂઢ ભાજપને ચૂંટણીમાં વિપક્ષ સામે વધુ એક મુદ્દો મળી જશે.