દેશમાં 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સને મંજૂરી અપાઈ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે બજેટ સત્રના આરંભે સંસદના બંને ગૃહના સભ્યોની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી. એમણે તેમના સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારે વીતી ગયેલા વર્ષમાં બજાવેલી કામગીરીઓની રજૂઆત કરી હતી. એમણે જણાવ્યું હતું કે મોદી સરકારે દેશમાં 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ બાંધવાની મંજૂરી આપી છે જે મહત્ત્વનો નિર્ણય છે. આમાં સૌથી મોટું એરપોર્ટ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં બંધાશે.

સરકારે જે 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સને મંજૂરી આપી છે તેમાં મોપા (ગોવા), નવી મુંબઈ, શિર્ડી અને સિંધુદુર્ગ (મહારાષ્ટ્ર), કલબુર્ગી, બિજાપુર, હસન અને શિમોગા (કર્ણાટક), દાતિયા (ગ્વાલિયર-મધ્ય પ્રદેશ), કુશીનગર અને નોઈડા (ઉત્તર પ્રદેશ), ધોલેરા અને હિરાસર (ગુજરાત), કરાઈકલ (પુડુચેરી), દાગાદઢી, ભોગાપુરમ અને ઓર્વાક્કલ (આંધ્ર પ્રદેશ), દુર્ગાપુર (પશ્ચિમ બંગાળ), પેક્યોંગ (સિક્કીમ), કાન્નૂર (કેરળ) અને હોલોંગી (ઈટાનગર-અરૂણાચલ પ્રદેશ)નો સમાવેશ થાય છે.