MVA ગઠબંધનમાં સીટ શેરિંગ પર બની સહમતી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી હવે નજીક છે, ત્યારે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની વચ્ચે સીટ વહેંચણી થઈ ચૂકી છે, એમ સંજય રાઉતે જણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરે જૂથ 21 સીટો પર ચૂંટણી લડશે. કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડશે, જ્યારે શરદ પવારની NCP કુલ 10 સીટો પર ચૂંટણી લડશે.

એ દરમ્યાન કોંગ્રેસ નેતા નાના પટોલેએ કહ્યું હતું કે કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી છે. અમારે તાનાશાહ સામે લડવાનું છે. તેઓ અમારા ગઠબંધનને મુસ્લિમ લીગ બતાવી રહ્યા છે. તેઓ ભયભીત છે. મતો તબદિલ થશે. અમારી સાથે અસલી શિવસેના અને અસલી NCP છે.

બીજી બાજુ, શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે સીટો પર લડવાની ઇચ્છા બધાને છે અને એમાં કશું ખોટું નથી, પણ જીતની ક્ષમતાને પ્રાથમિકતા અપાવી જોઈએ. અમારી લડાઈ મહત્ત્વની છે. વડા પ્રધાને ભ્રષ્ટ જનતા પાર્ટી અને એની સાથે વસૂલી સેના છે. તેમની પાસે એક વોશિંગ મશીન છે. તેમની સાથે ‘दाग अच्छे हैं’ વાળો વોશિંગ પાઉડર છે.

મુંબઈના શિવાજી પાર્કમાં યોજાનારી રાજ ઠાકરે સભામાં તેઓ NDAમાં સામેલ થવાનું એલાન કરે એવી શક્યતા છે. થોડા દિવસ પહેલાં રાજ ઠાકરેએ દિલ્હી આવીને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જો રાજ ઠાકરે NDAમાં સામેલ થશે તો તેમના માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવશે, એમ રાજ્યના ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.