નવી દિલ્હીઃ સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ સામે હિંડનબર્ગના રિપોર્ટ બાદ દેશમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. આ મામલે કોંગ્રેસ દ્વારા સેબીનાં ચેરપર્સન માધબી પુરી બુચને પદ પરથી હટાવવાની ઝુંબેશ શરૂ કરી છે. આ અંગે કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ કોંગ્રેસના પ્રદર્શનના કેન્દ્રમાં હશે. કોંગ્રેસ 22 ઓગસ્ટે દેશભરમાં વિરોધ-પ્રદર્શન કરશે અને ED ઓફિસનો ઘેરાવ કરશે.
દિલ્હીમાં AICC મહાસચિવ અને કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે 22 ઓગસ્ટે દેશમાં રાષ્ટ્રીય સ્તરનું મોટું આંદોલન થશે. અમે દરેક રાજ્યની રાજધાનીમાં EDની ઓફિસનો ઘેરાવ કરીશું અને સેબીના ચેરપર્સનને પદ પરથી હટાવવાની માગ કરીશું.
અમે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં AICC મહાસચિવ, પ્રભારી અને PCC પ્રમુખોની બેઠક બોલાવી હતી. અમે અત્યારે દેશમાં થઈ રહેલા સૌથી મોટા કૌભાંડોમાંના એકની ચર્ચા કરી છે. અમે સર્વસંમતિથી હિંડનબર્ગના ખુલાસા મુદ્દે પર માગ સાથે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવાનું નક્કી કર્યું છે, એમ તેમણે કહ્યું હતું.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતાં હિંડનબર્ગ રિપોર્ટની JPC તપાસની માગ કરી છે. તેમણે કહ્યું કે આ મામલે ઊંડાણપૂર્વક ચર્ચા કરવી પડશે. હું ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરીશ.
કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કોંગ્રેસે સવાલ કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના વારંવારના આદેશો છતાં સેબીએ તપાસમાં સક્રિયતા દાખવી. તેમણે આરોપ લગાવ્યો કે તાજેતરનો હિંડનબર્ગ રિપોર્ટ દર્શાવે છે કે મોદી સરકારે સેબીની પારદર્શિતાને નષ્ટ કરી છે.