નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત થઈ રહેલા વધારા સામે વિરોધ દર્શાવવા વિરોધ પક્ષ કોંગ્રેસ 29 જૂનના સોમવારે દેશભરમાં દેખાવો કરશે. પાર્ટીના સંસદસભ્યો, વિધાનસભ્યો અને નેતાઓ બંને ઈંધણનો ભાવવધારો પાછો ખેંચી લેવામાં આવે એવી માગણી કરતું એક આવેદનપત્ર બાદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સુપરત કરશે.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના મહામંત્રી કે.સી. વેણુગોપાલે કહ્યું છે કે આ વિરોધ કાર્યક્રમો દ્વારા અમારો પક્ષ કોરોના સંકટમાં સરકાર દ્વારા સામાન્ય પ્રજાને લૂંટવાની પ્રવૃત્તિ પર પ્રકાશ પાડવાનો છે.
આવનારા સપ્તાહમાં, એટલે કે 30 જૂનથી 4 જુલાઈ સુધી કોંગ્રેસ પાર્ટી દેશભરમાં તાલુકા સ્તરે વ્યાપક વિરોધ કાર્યક્રમો હાથ ધરવાની છે. સરકાર છેલ્લા 21 દિવસોથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરતી રહી છે. આને કારણે સામાન્ય પ્રજા પર વધારાનો આર્થિક બોજો આવી પડ્યો છે, એમ વેણુગોપાલે એક નિવેદનમાં કહ્યું છે.
રાજ્યસભાના સદસ્ય વેણુગોપાલે એવો આક્ષેપ કર્યો છે કે ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ રેકોર્ડ કહેવાય એવા નીચા સ્તરે ઉતરી ગયા છે ત્યારે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલ પર કેન્દ્રીય આબકારી જકાત અસાધારણ રીતે વધારીને ધરખમ નફો મેળવ્યો છે.
ક્રૂડ તેલના નીચા ગયેલા ભાવનો લાભ સામાન્ય જનતાને આપવાને બદલે સરકાર આબકારી જકાત વધારતા રહીને બંને ઈંધણના ભાવને જાણીજોઈને વધારી રહી છે, એમ કોંગ્રેસી નેતાએ કહ્યું.
29 જૂને પાર્ટી સવારે 11-12 વાગ્યા વચ્ચે દેશભરમાં કેન્દ્ર સરકારી કાર્યાલયોની બહાર ધરણા કરશે. એ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન કરાશે. આ ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ સમિતિ અને જિલ્લા પ્રદેશ સમિતિના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાગ લેશે.