પોતાની પાર્ટી પર પ્રિયંકા ચતુર્વેદીએ કર્યા પ્રહાર, કહ્યું કોંગ્રેસમાં ગુંડાઓને પ્રાથમિકતા

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી સાથે ગેરવર્તણૂંક કરવાના આરોપમાં કોંગ્રેસમાંથી બરખાસ્ત નેતાઓને ફરીથી કોંગ્રેસમાં શામેલ કરી લેવામાં આવ્યાં છે. ત્યારબાદ પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા એક પત્ર જાહેર કરીને જાણકારી આપવામાં આવી કે પ્રિયંકા ચતુર્વેદી સાથે અમર્યાદિત વ્યવહાર માટે જે લોકો પર અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી તેમણે ખેદ પ્રગટ કરતાં અને પોતાની બહાલી માટે જે નિવેદન કરવામાં આવ્યું હતું તેનો કોંગ્રેસ પાર્ટીએ સ્વીકાર કર્યો છે. આપને જણાવી દઈએ કે આ આઠ બર્ખાસ્ત લોકોને કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાની ભલામણ બાદ પાર્ટીમાં પરત લેવામાં આવ્યાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ પત્ર 15 એપ્રિલના રોજ લખવામાં આવ્યો હતો.

આપને જણાવી દઈએ કે ગેરવર્તણૂંકના આરોપમાં બહાર કરવામાં આવેલા નેતાઓને ફરીથી પાર્ટીમાં લીધા બાદ પ્રિયંકાએ ટ્વિટ કરીને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે પાર્ટીમાં જે લોકો મહેનત કરીને પોતાની જગ્યા બનાવી રહ્યાં છે તેમના લોકોની જગ્યાએ આ પ્રકારના લોકોને પ્રાયોરિટી મળી રહી છે. કોંગ્રેસ પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે ધમકીઓ આપનારાને કોઈપણ કડક કાર્યવાહી વગર બચી જવું દુર્ભાગ્યપૂર્ણ છે. પ્રિયંકાએ લખ્યું કે મને ખૂબ દુઃખ થયું કે ગુંડાઓને પાર્ટીમાં પ્રાયોરીટી આપવામાં આવી રહી છે.

ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી મથુરા આવ્યાં હતાં. આ દરમિયાન તેમણે રાફેલ ડીલના મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, આ પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના ઘણા કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત હતાં. આરોપ હતો કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાર્ટીના કેટલાક નેતાઓએ નારાબાજી કરતા પ્રિયંકા સાથે ગેરવર્તણૂંક કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના બાદ પ્રિયંકાએ દિલ્હી જઈને આ વાતની ફરિયાદ યૂપી કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરને કરી હતી. ત્યારબાદ પ્રવીણ ઠાકુર, અશોક સિંહ, ઉમેશ પંડિત, અબ્દુલ જબ્બાર, યતીન્દ્ર જેવા નેતાઓને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દીધાં હતાં.