નરેન્દ્ર મોદી સૌથી કાયર અને નબળા વડા પ્રધાન છેઃ પ્રિયંકા ગાંધી

પ્રતાપગઢ (ઉત્તર પ્રદેશ) – કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરાં શાબ્દિક પ્રહારો કર્યાં હતાં અને કહ્યું હતું કે મોદી સૌથી નબળા અને કાયર વડા પ્રધાન છે.

પ્રતાપગઢમાં એક ચૂંટણી સભામાં પ્રિયંકાએ કહ્યું હતું કે, મૈંને ઈનસે બડા કાયર ઔર કમઝોર પ્રધાનમંત્રી નહીં દેખા. ટેલિવિઝન પર મોટા પ્રચારો કરીને કંઈ રાજકીય સત્તા ન મળે. કોઈ પણ પદ કરતાં દેશની જનતા જ મોટી છે એવું જે માને એને જ સત્તા મળે છે. લોકોની સમસ્યાઓ સાંભળવાની, એમની સમસ્યાઓને ઉકેલવાની અને ટીકાને સાંભળવાની વ્યક્તિમાં હિંમત હોવી જોઈએ. આ વડા પ્રધાન ન તો તમને સાંભળે છે કે ન તો તમારાં સવાલોનાં જવાબ આપે છે.

કોંગ્રેસ પાર્ટી હંમેશાં માનતી આવી છે કે લોકો જ સર્વોપરિ હોય છે. જ્યારે મોદી જુદા જુદા દેશોમાં ફરવામાં માને છે, પણ એમણે ક્યારેય ગરીબ લોકો અને વંચિત વ્યક્તિઓનાં ઘરોની મુલાકાત લીધી નથી, એમ પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું હતું.

પ્રતાપગઢમાં 12 મેએ મતદાન છે. અહીં કોંગ્રેસનાં ઉમેદવાર છે રત્ના સિંહ.