સુપ્રીમ કોર્ટની એક ટિપ્પણીથી કોમન સિવીલ કોડ ફરી ચર્ચામાં

નવી દિલ્હીઃ યુનિફોર્મ સિવિલ કોડ અર્થાત, સમાન નાગરિક સંહિતા, દેશના રાજકારણમાં છેલ્લા 70 વર્ષથી અટવાયેલો સવાલ છે. હવે એકવાર ફરી ચર્ચાના કેન્દ્રમાં છે. શુક્રવારે દેશની સર્વોચ્ચ અદાલતે આ મામેલ ટિપ્પણી કરતા કહ્યું કે આ મુદ્દે 63 વર્ષ પસાર થઈ ગયા તેમ છતા સરકાર દ્વારા આ મામલે કોઈ ગંભીર, નોંધનીય પગલા લેવામાં આવ્યા નથી. સુપ્રીમ કોર્ટે એક સંપત્તિ વિવાદ મામલે સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાવાળા દેશના એકમાત્ર રાજ્ય ગોવાનું ઉદાહરણ આપ્યું હતું. મહત્વનું છે કે દેશમાં લગ્ન, છૂટાછેડા અને ઉત્તરાધિકાર જેવા મુદ્દાને છોડીન તમામ મુદ્દે સમાન કાયદો છે. પરંતુ ઉપરના મુદ્દે નિર્ણય પર્સનલ કાયદા પ્રમાણે થાય છે. ગોવા રાજ્યમાં લાગુ પોર્ટુગીઝ નાગરિક સંહિતા 1867 છે જે ઉત્તરાધિકાર અને વારસાના અધિકારને પણ સંચાલિત કરે છે. ગોવાની બહાર આ પ્રકારના કાયદાઓ લાગુ નથી.

જસ્ટીસ દીપક ગુપ્તા અને જસ્ટીસ અનિરુદ્ધની ખંડપીઠે તેમના નિવેદનમાં કહ્યું કે, ગોવાના એક સંપત્તિ વિવાદના કેસમાં સુપ્રીમ કોર્ટે સમાન નાગરિક આચાર સંહિતાનો ઉલ્લેખ કર્યો અને બંધારણની કલમ 44 પર ગંભીર ન હોવાને સરકારની અસફળતા ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિંદુ લો 1956માં બનવાયો પરંતુ આજે 63 વર્ષો પછી પણ સમગ્ર દેશમાં એક સરખો નાગરિક કાયદો નથી અને તેના માટે પૂરતા પ્રયાસ પણ કરવામાં આવ્યા નથી.

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, ‘બંધારણના રચયિતાઓની આશા હતી કે આગામી સમયમાં સરકારો કલમ 44ના ભાગ-4 અંતર્ગત કહેવામાં આવેલ યુનિફોર્મ સિવિલ કોડને સમગ્ર દેશના નાગરિકો માટે લાગુ કરશે. પરંતુ આજ સુધી આ મામલે કોઈ મજબૂત પ્રયાસ કરવામાં આવ્યો નથી.’ સુપ્રીમ કોર્ટે ગોવાના આ સંપત્તિ વિવાદ કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે, ‘ભારતીય રાજ્ય ગોવા આ માટે એક શાનદાર ઉદાહરણ છે. જેણે કોઈપણ ધર્મની શરમમાં પડ્યા વગર તમામ માટે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યો છે. ગોવામાં જે મુસ્લિમ પુરુષોના લગ્ન નોંધવામાં આવ્યા છે તેઓ બીજા લગ્ન કરી શકતા નથી. તેમજ ઇસ્લામમાં માનતા લોકો મૌખિક તલાક પણ આપી શકતા નથી.’

મહત્વનું છે કે, સુપ્રીનની આ ટિપ્પણી એટલા માટે પણ મહત્વની છે કારણ કે, તીન તલ્લાક પર બીલ પાસ કરાવી ચૂકેલી બીજેપી સરકારના એજન્ડામાં સમાન નાગરિક સંહિતા પણ સામેલ છે. મોદી સરકારે તેમના અગાઉના કાર્યકાળમાં આ મુદ્દે તમામના મંતવ્યો માટે લો કમીશન પણ બનાવ્યું હતું.

સમાન નાગરિક સંહિતાનો વિરોધ કરતા લોકોનું કહેવું છે કે સરકાર સિવિલ કોડના માધ્યમથી અલ્પસંખ્યકો પર હિન્દુ કાયદો લાગુ કરવા ઈચ્છે છે. મુસ્લિમ સમુદાયના લોકો તીન તલ્લાકની જેમ આ મામલે પણ તર્ક આપે છે કે તેઓ પોતાના ધાર્મિક કાયદાઓ પ્રમાણે જ પોતાના કેસનો નીકાલ કરશે. પરંતુ હકીકત એ છે કે સમાન નાગરિક્તા કાયદો લાગુ થતા જ ભારતમાં રહેતી દરેક સમાજ અને ધર્મની મહિલાઓની સ્થિતિમાં સુધાર આવશે. હાલ કેટલાક ધર્મોમાં મહિલાઓ પાસે નહીવત અધિકાર છે. કોમન સિવિલ કોડના સમર્થકોનું કહેવું છે કે બધા માટે કાયદો એક સમાન હોવાથી દેશમાં એક્તા વધશે. જે દેશમાં નાગરિકોમાં એક્તા હોય છે તે દેશ વિકાસના પથ પર જલ્દી આગળ વધે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]