મુંબઈઃ NRC અને CAA મામલે તમામ વિપક્ષી પાર્ટીઓ એકસૂરમાં વિરોધ કરી રહી છે પરંતુ આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો મિજાજ કંઈક અલગ છે. ઉદ્ધવ ઠાકરેએ સંકેત આપ્યા છે કે તેઓ નાગરિકતા કાયદાની વિરુદ્ધમાં નથી પરંતુ એનઆરસી અને એનઆરપીનો વિરોધ કરશે. જો કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની મહારાષ્ટ્રમાં સહયોગી પાર્ટી કોંગ્રેસ આ મામલે જોરદાર વિરોધ કરી રહી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર સામનામાં ઈન્ટરવ્યૂ આપતા કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત કોઈપણને દેશમાંથી બહાર ન કાઢી શકાય. આ સાથે જ તેમણે કહ્યું કે, અમે મહારાષ્ટ્રમાં એનઆરસી લાગૂ નહી થવા દઈએ, કારણ કે આનાથી હિંદુઓને પણ પોતાની નાગરિકતા સાબિત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, એનઆરસી અંતર્ગત ન માત્ર મુસ્લિમ પરંતુ હિંદુઓને પણ પોતાની નાગરિકતા સાબિત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એટલા માટે હું એનઆરસીને અહીંયા લાગુ નહી થવા દઉં.
ઉલ્લેખનીય છે કે, નાગરિકતા કાયદાને લઈને દેશના ઘણા ભાગોમાં વિરોધ થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ ઘણી જગ્યાઓ પર લોકો ઘણા દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે. જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી બહાર ગઈકાલે રાત્રે બે લોકો દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જો કે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.