નવી દિલ્હીઃ દલાએ વાડીને પૂછ્યું હતું કે વાડી રે વાડી રીંગણાં લઉં બે,ચાર, ત્યારે વાડીએ (સ્વયં) કહ્યું, લોને દસ બાર… અરુણાચલ પ્રદેશના મુખ્ય મંત્રી પેમા ખાંડુના નજીકનાં સગાંઓને વર્ષ 2012થી 2023 વચ્ચે તવાંગ જિલ્લામાં 146 સરકારી કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા હતા. આ કોન્ટ્રેક્ટોની કુલ કિંમત 383.74 કરોડ રૂપિયા હતી. પેમા ખાંડુના જેમને આ કોન્ટ્રેક્ટ મળ્યા હતા, તેમાં તેમની પત્ની સેરિંગ દોલમા, તેમના ભાઈ તાશી ખાંડુ અને ભાભી નિમા ડ્રેમાની કંપનીઓનો સમાવેશ થાય છે. આ માહિતી સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલા એફિડેવિટમાં સામે આવી છે.
પેમા ખાંડુનાં સગાંઓને મળેલા કુલ કોન્ટ્રેક્ટોમાંથી 16.83 કરોડ રૂપિયાના 59 કોન્ટ્રેક્ટ વર્ક ઓર્ડરને આધારે આપવામાં આવ્યા હતા, એટલે કે આ માટે જાહેર ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં નહોતાં.
કયા કામ માટે આપવામાં આવ્યા કોન્ટ્રેક્ટ્સ?
આ કોન્ટ્રેક્ટસ રસ્તાઓ, પૂલો, નાળાઓ, સિંચાઈ ચેનલો, વીજ લાઇનો, રિટેઇનિંગ વોલ, સમુદાય ભવન, સાંસ્કૃતિક કેન્દ્રો, રહેણાક ક્વાર્ટરો, કચેરી અને વ્યાવસાયિક મકાનો, પ્રવાસન સુવિધાઓ, યુદ્ધ સ્મારક વગેરેના નિર્માણ અથવા જાળવણી સંબંધિત હતા.
કોંગ્રેસ સરકારમાં ઉત્તર-પૂર્વની અવગણના થઈ હતી
સુપ્રીમ કોર્ટે આ વર્ષે માર્ચમાં અરુણાચલ સરકારને સંપૂર્ણ માહિતી આપવા સૂચના આપી હતી. અરુણાચલ સરકારે શપથપત્રમાં આપેલી માહિતીની સમીક્ષા કરી હતી. એ પહેલાં ગયા વર્ષે દાખલ કરવામાં આવેલી જનહિત અરજીમાં સેવ મોન રિજિયન ફેડરેશન અને વોલન્ટરી અરુણાચલ સેનાએ આરોપ લગાવ્યો હતો કે સરકારી કામના ઓર્ડર મુખ્ય મંત્રીના પરિવાર સાથે જોડાયેલી કંપનીને અપાયા હતા.
અરુણાચલ પ્રદેશની આ બંને સંસ્થાઓએ કોર્ટને કોન્ટ્રેક્ટની ફાળવણીની CBI અથવા SIT દ્વારા તપાસ કરાવવા આદેશ આપવા વિનંતી કરી હતી. કોર્ટનો આદેશ 2 ડિસેમ્બરએ સુપ્રીમ કોર્ટે અરજદારના વકીલ પ્રશાંત ભૂષણની આ દલીલને ધ્યાનમાં લીધી હતી કે રાજ્ય સરકારે આપવામાં આવેલી માહિતી અધૂરી અને જૂની છે. કોર્ટે અરુણાચલને 2015થી 2025 વચ્ચેના તમામ જિલ્લાઓની સંપૂર્ણ યાદી આઠ અઠવાડિયામાં આપવા સૂચના આપી હતી.




