ગુવાહાટીઃ ચીન ભારતની સામે અવળચંડાઈથી બાજ નથી આવતું.બીજિંગે અરુણાચલ પ્રદેશ પર પોતાના દાવા પર ફરી ભાર આપવાના હેતુથી અરુણાચલ પ્રદેશ માટે ચીની, તિબ્બતી અને પિનયિન અક્ષરોમાં નામોની ત્રીજી યાદી જારી કરી છે. ભારત દ્વારા G20 બેઠક આયોજિત કરવાના ઠીક પહેલાં ચીને આ પગલું ભર્યું છે. G20ની આ બેઠકમાં પણ ચીન સામેલ નહોતું થયું.
ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે રવિવારે અરુણાચલ પ્રદેશનાં 11 સ્થળોનાં નામની યાદી બહાર પાડી છે. તેમાં બે મેદાનો, બે રહેણાંક વિસ્તારો, પાંચ ટેકરીઓ અને બે નદીઓનો સમાવેશ થાય છે. હકીકતમાં, આ ત્રીજી વખત છે જ્યારે ચીને એપ્રિલ, 2017 અને ડિસેમ્બર, 2021માં એકતરફી રીતે અરુણાચલ પ્રદેશમાં સ્થાનોનાં નામ બદલ્યાં છે, જેમાં 2017માં છ અને 2021માં 15 જગ્યાઓના નામ બદલવામાં આવ્યાં હતાં. હવે ત્રીજી યાદીમાં 11 સ્થળોનાં નામ બદલવામાં આવ્યાં છે.
ચીન સરકાર દ્વારા અરુણાચલ પ્રદેશનાં ક્ષેત્રોના બદલાયેલાં નામ ત્રીજી વખત જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ 2017માં ચીને અરુણાચલ પ્રદેશનાં છ સ્થળોનાં નામ અને 2021માં 15 સ્થળોનાં નામની યાદીઓ જાહેર કરી હતી. ભારત આ બંને યાદીઓને ફગાવતાં વાંધો ઊઠાવી ચૂક્યું છે. ભારતે હંમેશાં કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. તેના પર ચીનનો દાવો તેની બદનિયતનો પુરાવો છે.
વિદેશ મંત્રાલયનું નિવેદન
ભારતે અગાઉ અરુણાચલ પ્રદેશમાં કેટલાંક સ્થળોનાં નામ બદલવાના ચીનના પગલાને નકારી કાઢ્યું છે. ભારત તરફથી હંમેશાં એવું કહેવામાં આવે છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ છે અને હંમેશાં રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ડિસેમ્બર, 2021માં કહ્યું હતું કે આ પહેલી વાર નથી જ્યારે ચીને અરુણાચલ પ્રદેશમાં આ રીતે સ્થાનોનાં નામ બદલવાનો પ્રયાસ કર્યો હોય.