શ્રીલંકાએ નીતિ સુધારા, ડિજિટલાઈઝેશન માટે ભારતની મદદ માગી

નવી દિલ્હી/કોલંબોઃ નેશનલ સેન્ટર ફોર ગૂડ ગવર્નન્સ (NCGG)ના ડાયરેક્ટર જનરલ ભરત લાલની આગેવાની હેઠળ ભારતનું એક પ્રતિનિધિમંડળ શ્રીલંકાના બે-દિવસીય પ્રવાસ દરમિયાન પાટનગર કોલંબોમાં શ્રીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમસિંઘેને મળ્યું હતું.

તે બેઠકમાં વિક્રમસિંઘેએ એમના દેશમાં હાલમાં ઊભા થયેલા આર્થિક પડકારોનો એમની સરકારે કેવી રીતે સામનો કર્યો હતો અને દેશના અર્થતંત્રની ગાડી ફરી પાટા પર કેવી રીતે ચડાવી તે વિશે રજૂઆત કરી હતી. ભારત સરકારે ભારતમાં જે રીતે સામાજિક અને આર્થિક વિકાસ હાંસલ કર્યો છે તેની વિક્રમસિંઘેએ સરાહના કરી હતી અને NCGGને વિનંતી કરી હતી કે શ્રીલંકામાં નીતિ વિષયક સુધારા લાવવા, સુશાસન સ્થાપિત કરવા, ડિજિટલાઈઝેશન લાવવામાં ભારત તરફથી એમની સરકારને મદદ મળે.

ભરત લાલે બેઠકમાં જાણકારી આપી હતી કે નરેન્દ્ર મોદીએ તેઓ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન પદે હતા ત્યારે એમના દૂરદ્રષ્ટિપૂર્ણ શાસનથી રાજ્યની નકારાત્મક હાલતમાં ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને કેવી રીતે ફરી મજબૂત કરી આપી હતી. વડા પ્રધાન મોદીના એ જ વિઝનને આધારે જ ભારત વ્યાપકપણે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે.

બેઠકમાં ભરત લાલની સાથે શ્રીલંકાસ્થિત ભારતીય હાઈ કમિશનર ગોપાલ બાગલે, NCGGના એસોસિએટ પ્રોફેસર ડો. એ.પી. સિંહ તથા દૂતાવાસના અન્ય વરિષ્ઠ રાજદૂતોનો પણ સમાવેશ થતો હતો.