લેહઃ સરહદીય કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર લશ્કરી તંગદિલી ઘટવાના આજે પ્રથમ સંકેત મળ્યા છે. ચીનના લશ્કર – પીપલ્સ લિબરેશન આર્મીના જવાનો ગલવાન ખીણવિસ્તારના અમુક ભાગોમાંથી તંબૂઓ હટાવતા અને પાછા હટી જતા જોવા મળ્યા હતા. ચીની સૈનિકો લગભગ એક કિલોમીટર જેટલા દૂર હટી ગયા હતા. આ જાણકારી સરકારી સૂત્રોએ પીટીઆઈ સમાચાર સંસ્થાને આપી હતી.
બંને દેશના કોર્પ્સ કમાન્ડરો વચ્ચે સમજૂતી થયા બાદ ચીની સૈનિકોએ ‘પેટ્રોલિંગ પોઈન્ટ 14’ ખાતેથી એમના તંબૂઓ અને માળખાને હટાવવાનું શરૂ કરી દીધું છે. એવી જ હિલચાલ ગોગરા હોટ સ્પ્રિંગ વિસ્તારમાં પણ જોવા મળી હતી.
કેટલાક સ્થળે ચીની સૈનિકો એકથી બે કિલોમીટર જેટલા દૂર હટી ગયા હતા, પણ ગલવાન નદી પરના કેટલાક વિસ્તારોમાં ચીની લશ્કરી વાહનોની હાજરી હજી પણ ચાલુ છે.
સમજૂતી અનુસાર ભારત અને ચીન, બંનેએ પોતપોતાના સૈનિકોને અથડામણના સ્થળોથી અમુક સેંકડો મીટર પાછા હટી જવાનું રહેશે.
લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ઉપર જ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગઈ 15 જૂને અથડામણ થઈ હતી જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. ચીનના પક્ષે કેટલી જાનહાનિ થઈ છે એના અહેવાલ ચીને બહાર પાડ્યા નથી.