રાયપુરઃ છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આચારસંહિતા દરમ્યાન વહીવટી તંત્ર સખતાઈથી કાર્યવાહી કરી રહ્યું છે. નવ ઓક્ટોબરથી અત્યાર સુધી રાજ્યમાં રૂ. 38 કરોડની રોકડ અને સામગ્રી જપ્ત કરવામાં આવી છે. રાજ્યમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, એમ અધિકારીઓએ માહિતી આપી હતી.
રાજ્યમાં આચારસંહિતા લાગુ થયા પછી 29 ઓક્ટોબર સુધી રૂ. 38.34 લાખથી વધુની ગેરકાયદે રોકડ ને ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. એમાંથી રૂ. 10 કરોડ 11 લાખની રોકડ પણ સામેલ છે. એજન્સીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાંથી 29 ઓક્ટોબર સુધી 30,840 લિટર ગેરકાયદે દારૂ જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત રૂ. 90.87 લાખ થવા જાય છે. આ ઉપરાંત તપાસ દરમ્યાન રૂ. 14.82 કરોડના મૂલ્યના 184 કિલોગ્રામથી વધુ કીમતી આભૂષણો અને રત્નો પણ જપ્ત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત રૂ. 9.50 કરોડથી વધુના મૂલ્યની અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
26 ઉમેદવારો સામે ગુનાઇત કેસ
રાજ્યમાં 223 ઉમેદવારોમાંથી 26થી સામે ગુનાઇત કેસ નોંધાયેલા છે. એમાંથી 16 સામે ગંભીર અપરાધના કેસો નોંધાયેલા છે. આ સાથે પહેલા તબક્કામાં ચૂંટણી લડી રહેલા 223 ઉમેદવારોમાંથી 46 ઉમેદવારો કરોડપતિ છે, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ખડગરાજ સિંહ રૂ. 40 કરોડથી વધુની સંપત્તિની સાથે સૌથી શ્રીમંત ઉમેદવાર છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને છત્તીસગઢ ઇલેક્શન વોચ રિપોર્ટ અનુસાર પહેલા તબક્કામાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની સંપત્તિની સરેરાશ સંપત્તિ રૂ. 1.34 કરોડ છે.