નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ રોગચાળાની ત્રીજી લહેર આવવાની સંભાવના વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોના ગાઈડલાઈન્સને આવતી 31 ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આની જાણ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને કરી દીધી છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે હાઈ-પોઝિટિવિટી રેટવાળા જિલ્લાઓમાં કોરોનાને રોકવા માટેના નિયમોનો શક્ય બને એટલા કડક રીતે અમલ કરવો.
આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને લોકોની ભીડ કે ટોળા ભેગા થતા હોય એવા સ્થળો ખાતે કોવિડ ઉપયુક્ત વ્યવહાર (CAB – Covid-appropriate behavior) લાગુ કરવાનો પણ અધિકારીઓને આદેશ આપ્યો છે. એટલે કે, માસ્ક પહેરવું, બે વ્યક્ત વચ્ચે ઉચિત અંતર રાખવું, સાબુથી હાથ ધોતા રહેવું અને ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવું. કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યોના મુખ્ય સચિવોને ચેતવણી આપી છે કે કોરોનાના કેસોની સંખ્યા ઘટી રહી છે તે છતાં આ મામલે જરા પણ ઢીલાશ રાખવી નહીં. કારણ કે સક્રિય કેસોની સંખ્યા હજી પણ ઘણી વધારે છે.