તમામ 11 હજાર ટ્રેનોમાં, 8,500 સ્ટેશનો પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે

નવી દિલ્હી – પ્રવાસીઓની યાત્રા સુરક્ષિત બની રહે એ માટે ભારતીય રેલવે દેશમાં દોડાવાતી તમામ ટ્રેનોમાં અને તમામ સ્ટેશનો પર આશરે 12 લાખ જેટલા સીસીટીવી કેમેરા મૂકાવશે.

આમ, તમામ ટ્રેનોમાં અને સ્ટેશનો પર દેખરેખ સિસ્ટમ એકદમ અત્યાધુનિક બની જશે.

પ્રીમિયર અને ઉપનગરીય ટ્રેનો સહિત દેશભરમાં દોડાવાતી તમામ 11,000 ટ્રેનોને તેમજ ભારતીય રેલવે નેટવર્ક પરના તમામ 8,500 સ્ટેશનો પર સીસીટીવી સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા માટે રેલવે તંત્ર વર્ષ 2018-19 માટેના તેના બજેટમાં આશરે રૂ, 3,000 કરોડની જોગવાઈ કરશે. તમામ સ્ટેશનો પર સીસીટીવી કેમેરા મૂકીને વહીવટીતંત્ર તમામ રેલવે ઈમારતોને સુરક્ષિતતા પૂરી પાડશે.

યોજના અનુસાર, ટ્રેનના દરેક ડબ્બામાં આઠ સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે. એમાં પ્રવેશદ્વાર, આઈલ (બેઠકોની બે હાર વચ્ચેનો ભાગ) અને વેસ્ટિબ્યૂલ્સ, સ્ટેશનો ખાતે તમામ મહત્વની જગ્યાઓને આ સિસ્ટમથી આવરી લેવામાં આવશે.

હાલ દેશમાં આશરે 395 સ્ટેશનો અને આશરે 50 ટ્રેનો સીસીટીવી સિસ્ટમથી સુસજ્જ છે.

આગામી બે વર્ષમાં તમામ મેઈલ/એક્સપ્રેસ ટ્રેનો અને રાજધાની, શતાબ્દી, દુરન્તો જેવી પ્રીમિયર ટ્રેનો તથા તમામ લોકલ પેસેન્જર ટ્રેનોને પણ આધુનિક દેખરેખવાળી સિસ્ટમથી સુસજ્જ કરવામાં આવશે.

રેલવે તંત્ર સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમને ઈન્સ્ટોલ કરવા માટે ભંડોળ હાંસલ કરવા માટે અનેક વિકલ્પો વિચારી રહ્યું છે. જરૂર પડશે તો શેરબજાર મારફત (રેલવે બોન્ડ બહાર પાડીને) ભંડોળ ઊભું કરશે.

ગયા વર્ષે પાટા પરથી ટ્રેનો ઉથલી પડવાની અસંખ્ય ઘટનાઓ બની હતી એટલે રેલવે બજેટમાં આ વખતે પ્રવાસીઓની સલામતી તથા અકસ્માતો નિવારણને ઉચ્ચ પ્રાધાન્ય આપવામાં આવશે.