CBIએ ગેરકાયદે ખનન કેસમાં અખિલેશ યાદવને મોકલ્યા સમન્સ

લખનૌઃ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવ પર CBIનો સકંજો કસાયો છે. એજન્સીએ અખિલેશ યાદવને સમન્સ મોકલીને ગેરકાયદે માઇનિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. તેમને 160 CRPC હેઠળ સમન્સ મોકલવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ યાદવને એજન્સીએ 29 ફેબ્રુઆરીએ બોલાવ્યા છે. આ મામલે સાક્ષી તરીકે સામેલ થવા માટે તેમને સમન્સ મોકલવામાં આવ્યા છે. વર્ષ 2016માં અલાહાબાદ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, એમાં હમીરપુરના તત્કાલીન જિલ્લાધિકારી સહિત અન્ય લોકસેવકોની વિરુદ્ધ ગેરકાયદે ખનનનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હાઇકોર્ટના આદેશ પર CBIએ આ મામલે તપાસ હાથમાં લીધી છે.

આરોપ એ હતો કે 2012-2016ના સમયગાળા દરમ્યાન જિલ્લા હમીરપુરમાં નાના ખનિજોના ગેરકાયદે ખનનની મંજૂરી આપવામાં આવી હતી. આ ગેરકાયદે રેતીના ખનન માટે નવા પટ્ટા આપ્યા, હાલના પટ્ટાનું નવીનીકરણ કર્યુ અને પટ્ટાધારકોને ચોક્કસ સમયગાળા માટે મંજૂરી આપી હતી અને આ પ્રકારે સરકારી ખજાનાને ખોટી રીતે નુકસાન પહોંચાડ્યું હતું અને આરોપીઓને ગેરકાયદે રીતે લાભ થયો હતો.

એજન્સીએ આ મામલે 15 જાન્યુઆરી, 2019એ ઉત્તર પ્રદેશના હમીરપુર, જાલૌન, નોએડા, કાનપુર અને લખનૌ જિલ્લામાં અને દિલ્હીમાં 12 સ્થળોએ તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન ગેરકાયદે રેતી ખનન સંબંધિત વાંધાજનક સામગ્રી, રોકડ અને સોનું જપ્ત કર્યું હતું.આ ઉપરાંત FIRમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કર્મચારીઓએ ગુનાહિત ષડયંત્રમાં ટેન્ડર પ્રક્રિયાનું પાલન કર્યું ન હતું. ગેરકાયદે માઇનિંગ કેસમાં લોકોને ગૌણ ખનીજ ગેરકાયદે રીતે ખોદવાની છૂટ આપવામાં આવી હતી. ગૌણ ખનીજ ચોરી અને પૈસા પડાવવાની પણ પરવાનગી આપવામાં આવી હતી.