નવી દિલ્હીઃ સંસદમાં સવાલ પૂછવા માટે રોકડા પૈસા લઈને લાંચ-ભ્રષ્ટાચારી નીતિ અપનાવવાનો જેમની પર આરોપ મૂકાયો છે તે તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં સંસદસભ્ય મહુઆ મોઈત્રાની સંસદમાંથી હકાલપટ્ટી કરવાની લોકસભા એથિક્સ કમિટીએ આજે ભલામણ કરી છે.
આ સમિતિનું સુકાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ વિનોદકુમાર સોનકરે લીધી છે. સમિતિની બેઠક આજે અહીં મળી હતી અને મહુઆ મોઈત્રાની સંસદમાંથી હકાલપટ્ટી કરવાની ભલામણ કરતા પોતાના અહેવાલને તેણે મંજૂરીની મ્હોર મારી હતી.
15-સભ્યોની એથિક્સ કમિટીમાં વિનોદ કુમાર સોનકર સહિત ભાજપાના સાત, કોંગ્રેસના ત્રણ અને બસપા, શિવસેના, વાઈએસઆર કોંગ્રેસ પાર્ટી, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, જનતા દળ (યૂનાઈટેડ)ના એક-એક સભ્ય છે. વિનોદકુમારે પત્રકારોને કહ્યું કે સમિતિના છ સભ્યોએ અહેવાલનો સ્વીકાર કરવાનું સમર્થન આપ્યું હતું અને ચાર જણે વિરોધ કર્યો હતો. સમિતિએ મોઈત્રાની હકાલપટ્ટી કરવાની સ્પીકર ઓમ બિરલાને ભલામણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપાના સાંસદ નિશિકાંત દુબેએ એવો આરોપ મૂક્યો છે કે મોઈત્રાએ લાંચ લઈને ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાનીના ઈશારે અદાણી ગ્રુપને ટાર્ગેટ બનાવવા માટે લોકસભામાં સવાલ પૂછ્યાં હતાં. મોઈત્રાએ આ આરોપને રદિયો આપ્યો હતો.