નવી દિલ્હીઃ આ વખતે દેશમાં આકરી ગરમી પડવાનાં એંધાણ છે, જેથી પાવરની માગ પિક પર પહોંચવાની અપેક્ષા છે સરકારે ગરમી વધતાં પહેલાં વીજ સપ્લાય વધારવાની તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રીય વીજ મંત્રી આરકે સિંહે આ વિશે 22 માર્ચે એક બેઠક બોલાવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગેસથી ઇલેક્ટ્રિક બનાવતી કંપનીઓને બોલાવવામાં આવી હતી. એમાં ગરમી વધતાં પહેલાં કંપનીઓને કુલ એનર્જીમાં ગેસ આધારિત ઇલેક્ટ્રિસિટીનો હિસ્સો વધારવાના ઉપાય કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
તેમણે ગેસની કિંમતોમાં નરમાઈને લીધે ગેસની ખરીદદારી વધારવાના નિર્દેશ આપ્યા છે. છેલ્લા છ મહિનામાં નેચલ ગેસની કિંમતોમાં આશરે 30 ટકા ઘટ્યા છે. આ વખતે દેશમાં આકરી ગરમી પડવાનાં એંધાણ છે, જેથી પાવરની માગ પિક પર પહોંચવાની અપેક્ષા છે. આ પહેલાં સરકાર ગેસ આધારિત પાવર ઉત્પાદન વધારીને 10,000 MW કરવા ઇચ્છે છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA)એ 16 માર્ચથી 30 જૂનની વચ્ચે વીજ માગ ઝડપથી વધવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. 10,000 મેગાવોટનું એ ઉત્પાદન NTPCની ગેસ આધારિત 5000 MWની ઉત્પાદન ક્ષમતાથી વધારાનું હશે.
હાલ ગેસથી આશરે 3200-4200 MW વીજનું ઉત્પાદન થઈ રહ્યું છે, એમાંથી આશરે 2000-3000 MWનું ઉત્પાદન NTPC કરી રહી છે. બાકીના 1200 MW સરકાર બહારથી ખરીદી રહી છે. આ બેઠકમાં સામેલ સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે વીજ ઉત્પાદન કરતી બધી કંપનીઓને ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સ ચલાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. વિતરણ કંપનીઓ જો એને નહીં ખરીદે તો એને પાવર એક્સચેન્જોને વેચવા માટે કહેવામાં આવ્યું છે.