રાહુલ ગાંધી શું આઠ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે?

નવી દિલ્હીઃ સુરતની એક કોર્ટ દ્વારા માનહાનિ મામલે સજા ફટકારવામાં આવ્યા પછી કેરળના વાયનાડથી સાંસદ રહેલા રાહુલ ગાંધીને શુક્રવારે લોકસભાનુ સભ્યપદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે તેમની અયોગ્યતાથી જોડાયેલો આદેશ 23 માર્ચથી લાગુ થશે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યા હતા કે રાહુલ ગાંધીને બંધારણના આર્ટિકલ 102 (1) અને જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 કલમ આઠ હેઠળ અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા જન પ્રતિનિધિત્વ કાનૂન હેઠળ ગઈ છે. જેના હેઠળ બે વર્ષ અથવા એનાથી વધુ સમય માટે જેલની સજા મેળવનાર વ્યક્તિને દોષી ઠેરવ્યાની તારીખથી અયોગ્ય ઘોષિત કરવામાં આવશે અને તેઓ સજા પૂરી થયા પછી જનપ્રતિનિધિ બનવા માટે છ વર્ષ સુધી અયોગ્ય રહેશે એટલે કે તેઓ છ વર્ષ સુધી ચૂંટણી પણ નહીં લડી શકે.

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 8 (3) હેઠળ ટેક્નિકલ રૂપે રાહુલ ગાંધીને બે વર્ષની સજા થયા પછી તેમને તત્કાળ લોકસભાથી અયોગ્ય ઠેરવે છે, જ્યાં સુધી હાઇકોર્ટ દ્વારા સજા પર મનાઈહુકમ ના આપવામાં આવે.  આમ રાહુલ ગાંધીની સજા પર પ્રતિબંધ ના લાગે ત્યાં સુધી તેઓ આગામી આઠ વર્ષ (2+6) સુધી ચૂંટણી નહીં લડી શકે.

શું કહે છે નિષ્ણાતો?

લોકસભાના ભૂતપૂર્વ મહા સચિવ અને બંધારણના નિષ્ણાત પીડીટી. આચારીએ કહ્યું હતું કે સજાનું એલાન થવા સાથે તેમની અયોગ્યતા લાગુ થઈ જાય છે. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી અપીલ કરવા માટે સ્વતંત્ર છે અને જો કોર્ટ મનાઈહુકમ લગાવશે તો અયોગ્યતા પણ સસ્પેન્ડ થઈ જશે.

નિષ્ણાતે કહ્યું હતું કે લિલી થોમસ અનુસાર લોકપ્રહરી મામલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો અપીલ કરવા પર દોષ રદ થઈ જશે તો અયોગ્યતા પણ રદ થઈ જશે.