રાષ્ટ્રીય એવોર્ડવિજેતા (‘પરિણીતા’) દિગ્દર્શક પ્રદીપ સરકાર (67)નું નિધન

મુંબઈઃ ‘પરિણીતા’ (2005), ‘લાગા ચુનરી મેં દાગ’ (2007), ‘લફંગે પરિંદે’ (2010), ‘મર્દાની’ (2014) અને હેલિકોપ્ટર ઈલા (2018) સહિત અનેક હિન્દી ફિલ્મો અને ‘અબ કે સાવન’, ‘પિયા બસંતી’ સહિત અનેક મ્યુઝિક વિડિયોનું નિર્માણ કરનાર દિગ્દર્શક પ્રદીપ સરકારનું વાઈરલ તાવને કારણે આજે વહેલી સવારે અહીંની લીલાવતી હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા.

સૈફ અલી ખાન અને વિદ્યા બાલન અભિનીત ‘પરિણીતા’ માટે સરકારને શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. એમને સખત તાવ ચડતાં બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરની લીલાવતી હોસ્પિટલમાં આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આજે સવારે 3.10 અને 3.30 વચ્ચેના સમયે એમણે આખરી શ્વાસ લીધો હતો, એમ તેમના પત્ની પાંચાલીએ જણાવ્યું હતું. હોસ્પિટલમાં દાખલ કરાય ત્યાં સુધીમાં એમના અવયવોમાં ઘણો બગાડો થવા માંડ્યો હતો. એમને આઈસીયૂમાં વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. તબીબી ચકાસણીમાં એમને ન્યુમોનિયા થયાનું માલૂમ પડ્યું હતું. ચેપથી એમના ફેફસાંને નુકસાન પહોંચ્યું હતું. એમની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હતી અને એમનું બ્લેડ પ્રેશર પણ ઠીક નહોતું. 2022ના જુલાઈમાં કોરોના થયા બાદ તેઓ ઘણા નબળા પડી ગયા હતા.

પ્રદીપ સરકારના નિધનના સમાચાર ફેલાતા બોલીવુડમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું છે. ‘લાગા ચૂનરી મેં દાગ’ અને ‘મર્દાની’ ફિલ્મોમાં સાથે કામ કરનાર રાની મુખરજી અને ‘લાગા ચુનરી મેં દાગ’માં કામ કરનાર અભિષેક બચ્ચન અને ‘હેલિકોપ્ટર ઈલા’ ફિલ્મને પ્રોડ્યૂસ કરનાર અજય દેવગને સરકારના નિધન અંગે આઘાત અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે.