નવી દિલ્હીઃ દેશમાં કન્યાઓ માટે લગ્નની કાયદેસર લઘુત્તમ વયને હાલ 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય પ્રધાનમંડળે આજે મંજૂરી આપી છે. લગ્ન માટે પુરુષોની કાયદેસર લઘુત્તમ વય 21 વર્ષ છે. આમ, બંને જાતિ માટે લગ્નની લઘુત્તમ વય સમાન કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2020માં લાલ કિલ્લા પરથી સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં જણાવ્યું હતું કે સરકાર મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ વયને વધારવા વિચારે છે. દેશની દીકરીઓને કુપોષણથી બચાવવા માટે એમનાં લગ્ન યોગ્ય સમયે થાય એ જરૂરી છે.
સંસદસભ્ય જયા જેટલીની આગેવાની હેઠળની એક ટાસ્ક ફોર્સે નીતિ આયોગને ભલામણ કરી હતી કે માતાનો મૃત્યુ દર ઘટાડવા માટે સ્ત્રીની માતૃત્વ ધારણ કરવા માટેની વય સંબંધિત બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે તેમજ એવી સ્ત્રીઓનું પોષણ સ્તર સુધારવાની જરૂર છે. કેન્દ્ર સરકારના મહિલાઓ અને બાળ વિકાસ મંત્રાલયે રચેલી ટાસ્ક ફોર્સમાં નીતિ આયોગના ડો. વી.કે. પૌલ, તેમજ ઉક્ત મંત્રાલય, શિક્ષણ અને આરોગ્ય મંત્રાલયોનાં સચિવોનો સમાવેશ થાય છે.