બેંગલુરુઃ કર્ણાટકમાં ભાજપની સરકારના મુખ્ય પ્રધાન પદેથી બી.એસ. યેદીયુરપ્પાએ રાજીનામું આપી દીધું છે. એમણે આપેલા રાજીનામાનો રાજ્યના ગવર્નર થાવરચંદ ગેહલોતે સ્વીકાર પણ કરી લીધો છે. ‘બે વર્ષ માટે રાજ્યની સેવા કરવાનું મને સદ્દભાગ્ય સાંપડ્યું છે’ એવું કન્નડ ભાષામાં ટ્વીટ કર્યા બાદ યેદીયુરપ્પાએ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.
રાજ્યપાલ ગેહલોતે યેદીયુરપ્પાને વિનંતી કરી છે કે જ્યાં સુધી એમના અનુગામીની પસંદગી ન કરાય ત્યાં સુધી તેઓ વચગાળાના મુખ્ય પ્રધાન તરીકે હોદ્દા પર ચાલુ રહે. પોતાના શાસનના બે વર્ષની સમાપ્તિની ઉજવણી કરવા યોજેલા સમારંભમાં ભાષણ કર્યા બાદ તરત જ યેદીયુરપ્પાએ એમના રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. ત્યારબાદ તેઓ એમના સાથી કેબિનેટ પ્રધાનો સાથે રાજભવન ખાતે ગયા હતા અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કરી દીધું હતું.