નવી દિલ્હીઃ દિલ્હીના શાહીનબાગમાં સીએએ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં ગત દિવસોમાં 4 મહિનાના એક નવજાત બાળકના મોતને લઈને 10 વર્ષની બાળકીએ સીજેઆઈને પત્ર લખીને મદદ માંગી છે.
રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર જીતનારી 10 વર્ષની બાળકી જેન ગુણારત્ન સદાવર્તેએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને પત્ર લખ્યો છે. જેને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને મદદ માંગી છે કે, આ પ્રકારના ધરણા પ્રદર્શનમાં બાળકોને ન જોડવામાં આવે. આને લઈને સુપ્રીમ કોર્ટ ગાઈડ લાઈન જાહેર કરે.
ઉલ્લેખનીય છે કે, જેન ગુણારત્ન સદાવર્તે એક બહાદૂર બાળકી છે. જેનને આ વર્ષે રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. જેનને મુંબઈના ક્રિસ્ટલ ટાવરમાં લાગેલી આગમાંથી 17 લોકોના જીવ બચાવવા માટે રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.જેને સ્કૂલમાં દુર્ઘટનાના સમયે કયા પ્રકારે પગલા લેવા તે શીખ્યું હતું. જ્યારે ક્રિસ્ટલ ટાવરમાં આગ લાગી હતી ત્યારે 10 વર્ષની બાળકીએ પોતાની હિંમત અને સૂઝબૂઝથી કામ કરીને ક્રિસ્ટલ ટાવરની આગથી 17 લોકોના જીવ બચાવ્યા હતા.
