ડિફેન્સ પેન્શનના ખર્ચમાં તોતિંગ વધારોઃ સંરક્ષણ બજેટના 28 ટકા

નવી દિલ્હીઃ સરકારે 2015માં વન રેન્ક વન પેન્શન લાગુ કરવાની જાહેરાત કરી હતી, જેથી સેનાના કર્મચારીઓને મળનારા પેન્શનના બજેટમાં રૂ. 8600 કરોડનો વધારો થયો હતો. એ પછી વર્ષ 2017માં સરકારે જ્યારે સાતમા પગાર પંચની ભલામણોને લાગુ કરી ત્યારે એમાં ઓર વધારો થયો.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા નાણાકીય વર્ષ 2020-21ના બજેટમાં સંરક્ષણ ક્ષેત્રના કર્મચારીઓના પેન્શન માટે રૂ. 1,33,825 કરોડની તોતિંગ ફાળવણી કરવામા આવી છે. સંરક્ષણ કર્મચારીઓના પેન્શનની રકમ છેલ્લાં 15 વર્ષોમાં 10.5 ગણી ઝડપથી વધતી અહીં સુધી પહોંચી છે. વર્ષ 2005-06માં સંરક્ષણ ક્ષેત્રે નોકરી કરતા કર્મચારીના પેન્શન માટે રૂ. 12,715 કરોડ ફાળવવામાં આવ્યા હતા.

સરકારના કુલ ખર્ચના 4.4 ટકા પેન્શનમાં

સંરક્ષણ કર્મચારીઓના પેન્શન માટે ફાળવવામાં આવેલી રકમ રૂ. 1,33,825 કરોડ કેન્દ્ર સરકારના 4.4 ટકા જેટલી થાય છે. આટલું જ નહીં, એ સંરક્ષણ બજેટના 28 ટકા હિસ્સો થાય છે.

પેન્શનથી ઓછો ખર્ચ આધુનિકીકરણ કરવા માટે

સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવતા મૂડી ખર્ચ કરતાં પણ એ રૂ. 15,291 કરોડથી અધિક છે. મંત્રાલય દ્વારા કરવામાં આવતાં મૂડી ખર્ચનો મોટો હિસ્સો સશસ્ત્ર દળોના આધુનિકીકરણ પર ખર્ચ થાય છે. એ તો સ્પષ્ટ છે કે સરકાર પગાર અને પેન્શન પર જેટલો વધુ ખર્ચ કરશે, એનાથી ઓછો સેનાના આધુનિકીકરણ પર ખર્ચ કરશે.

મનરેગા, હેલ્થ અને એજ્યુકેશનના બજેટ પેન્શનથી પણ ઓછાં

સરકાર દ્વારા મનરેગા માટે ફાળવવામાં આવેલા રૂ. 61,500 કરોડની રકમ ડિફેન્સ પેન્શનના 46 ટકા બરાબર છે. આ સિવાય સરકારે પીએમની ફ્લેગશિપ યોજના સ્વચ્છ ભારત યોજના માટે રૂ. 12,300 કરોડ ફાળવ્યા છે. આ પ્રકારે સરકારે શિક્ષણ ક્ષેત્ર માટે રૂ. 99,300 કરોડ અને હેલ્થ માટે રૂ. 69,000 કરોડની જોગવાઈ કરી છે.