નૌસેનાની તાકાત વધારવા આવી રહી છે સ્વદેશી હાઈટેક ક્રૂઝ મિસાઈલ

લખનૌ: નેવીમાં ચીન અને પાકિસ્તાનની વધતી જતી ક્ષમતા અને સમુદ્ર ખતરાને જોતા ભારત પણ તેની તાકત વધારવા માટે નવી હાઈટેક ક્રૂઝ મિસાઈલ બનાવી રહ્યું છે. લગભગ એક હજાર કિલોમીટર સુધીની દરિયાઈ સપાટી પરથી જમીન સ્તર પર હુમલો કરવામાં સક્ષમ આ ક્રૂઝ મિસાઈલને બ્રહ્મોસના લોન્ચર વડે છોડી શકાશે. આ મિસાઈલની રેન્જ સમગ્ર પાકિસ્તાન અને ભારતની સરહદ સાથે જોડાયેલા ચીનના મુખ્ય વિસ્તારોને આવરી લે એટલી છે. આ મિસાઈલ સબસોનિક સ્પીડથી ઉડાન ભરવામાં સક્ષમ છે.

ઓનમનોરમાના રિપોર્ટ અનુસાર બ્રહ્મોસના લોન્ચરને અત્યાર સુધીમાં 30 જંગી જહાજોમાં લગાવવામાં આવ્યું છે અને આ નવી મિસાઈલને પણ એ લોન્ચર વડે છોડી શકાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નેવીએ આ પ્રકારની શક્તિશાળી મિસાઈલની માંગ કરી હતી જેને પગલે હવે ડીઆરડીઓ આ મિસાઈલનું નિર્માણ કરી રહ્યું છે. આગામી બે મહિનામાં આ પ્રોજેક્ટની મંજૂરી મળી શકે છે અને વર્ષ 2023ની શરુઆતમાં આ મિસાઈલનું પ્રથમ પરિક્ષણ કરવામાં આવે તેવી શક્યતા છે.

હાઈટેક મિસાઈલના 20 પરિક્ષણ કરવામાં આવશે

આ મિસાઈલના નિર્માણનું કામ ડીઆરડીઓની બેંગ્લુરુ સ્થિત લેબને સોંપવામાં આવ્યું છે. આ જ લેબોરેટરીમાં ભારતની પ્રથમ સબસોનિક ક્રૂઝ મિસાઈલ નિર્ભયનું પણ નિર્માણ કર્યું હતું. લખનૌમાં આયોજીત ડિફેન્સ એક્સપોમાં સરંક્ષણ સૂત્રોએ જણાવ્યું કે, આ હાઈટેક મિસાઈલના 20 પરિક્ષણ કરવામાં આવશે અને આ મિસાઈલને સંપૂર્ણ રીતે સ્વદેશી ટેકનીકથી બનાવવામાં આવશે. આ મિસાઈલ ઓછી ઉંચાઈ પર ઉડતા દુશ્મનો પર પ્રહાર કરવામાં સક્ષમ છે.

બુધવારે ડીઆરડીઓના એક્સપોમાં પહોંચેલા નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે ઈચ્છા વ્યક્ત કરી કે આ નવી મિસાઈલનું શક્ય તેટલી ઝડપે પરિક્ષણ કરીને ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક વખત આ મિસાઈલનું ટ્રાયલ પૂર્ણ થઈ જશે તો નેવી તેના નિર્માણનો આર્ડર આપશે. 200 મિસાઈલો ખરીદવા પર નેવીને અંદાજે 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ મિસાઈલો શોર્ટ ટર્બો ફેન એન્જિનની મદદથી ચાલશે.

આ મિસાઈલમાં સ્વદેશમાં નિર્મિત સીકર લગાવવામાં આવશે. આ મિસાઇલનું એર વર્ઝન અને સબમરીન વર્ઝન પણ બનાવવામાં આવી રહ્યું છે. મિસાઈલ કાર્યરત થયા પછી નૌસેના એક હજાર કિલોમીટરના અંતરેથી દુશ્મન પર હુમલો કરી શકશે. આ મિસાઇલ ખૂબ ઓછી ઉંચાઇથી ઉડાન ભરશે, તેથી રડાર પકડવાની શક્યતા ઓછી રહેશે.