નવી દિલ્હીઃ ભાજપને તેલુગુ ભાષી રાજ્ય આંધ્ર પ્રદેશમાં સાતથી વધુ લોકસભા સીટો વર્ષ 1984થી જીતી શક્યો નથી. ભાજપને આંધ્ર પ્રદેશમાં 1989, 1996,2009 અને 2019ની લોકસભા ચૂંટણી એક પણ સીટ નહોતી મળી. વર્ષ 2014માં આંધ્ર પ્રદેશનું વિભાજન થયું હતું અને વિભાજન પછી આંધ્ર પ્રદેશના હિસ્સામાં લોકસભાની 25 અને તેલંગાણામાં 17 સીટો આવી હતી.
આંધ્ર પ્રદેશમાં ભાજપ ક્યારેય 1999 સિવાય સારું પ્રદર્શન કરી શક્યો નથી. ભાજપે આ વખતે પણ TDP સાથે ચૂંટણી મજબૂરીમાં આ વખતે ગઠબંધન કર્યું છે. ચૂંટણીની મજબૂરીને લીધે ભાજપ અને TDPએ આંધ્ર પ્રદેશનું 2014ની વિધાનસભાની ચૂંટણી ગઠબંધન હેઠળ લડી હતી, ત્યારે TDPએ રાજ્યની 175માંથી 102 સીટો જીતી હતી અને એની મતહિસ્સો 44.9 ટકા હતો, જ્યારે ભાજપે ચાર સીટો જીતી હતી અને બે ટકા મતો હાંસલ કર્યા હતા.
જોકે 2019માં જ્યારે TDP અને ભાજપ અલગ-અલગ વિધાનસભા ચૂંટણી લડ્યા તો TDPને જબરદસ્ત નુકસાન થયું હતું. રાજ્યની 175 વિધાનસભાની સીટોમાંથી એ વખતે માત્ર 23 સીટો પર જીત મળી હતી અને ભાજપને એકેય સીટ નહોતી મળી. આંધ્ર પ્રદેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે થાય છે. 2019ની લોકસભા ચૂંટણીમાં TDPને આંધ્ર પ્રદેશમાં સજ્જડ હાર મળી હતી. પાર્ટી રાજ્યની 25 લોકસભા સીટોમાંથી માત્ર ત્રણ સીટો જીતી શકી હતી અને ભાજપનું ખાતું પણ નહોતું ખૂલ્યું. ત્યારે TDPને 39.59 ટકા મતો મળ્યા હતા. ભાજપને માત્ર એક ટકો મતો મળ્યા હતા.
