BSE સેન્સેક્સની 1000થી 75,000 સુધીની સફર

અમદાવાદઃ શેરબજારમાં આજે સૌપ્રથમ વાર સેન્સેક્સ 75,000ના સ્તરને પાર નીકળ્યો હતો. સેન્સેક્સે 75,124નો અને નિફ્ટીએ 22,768નો ઓલટાઇમ હાઈ બનાવ્યો હતો. ત્યાર બાદ શેરબજારમાં નફારૂપી વેચવાલીથી સેન્સેક્સ 58 પોઇન્ટ ઘટીને 74,683ના મથાળે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પણ 24 પોઇન્ટ ઘટીને 22,642ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સને 74,000થી 75,000 સુધી પહોંચતાં માત્ર 24 સેશન લાગ્યાં છે.

સેન્સેક્સે 11 ડિસેમ્બર, 2023એ 70,000ની સપાટી ટચ કરી હતી. છેલ્લા ચાર મહિનાથી ઓછા સમયમાં એમાં 5000 પોઇન્ટની તેજી થઈ છે. નિફ્ટીએ પણ સૌપ્રથમ વાર 22,750નું લેવલ પાર કર્યું હતું. સેન્સેક્સે જુલાઈ 1990માં 1000નું લેવલ સ્પર્શ કર્યું હતું. એ પછી 34 વર્ષની અંદર એ 75 ઘણો વધી ગયો છે. આ દ્રષ્ટિએ જોવામાં આવે તો જો રોકાણકારને 34 વર્ષ પહેલાં સેન્સેક્સમાં રૂ. એક લાખ લગાવ્યા હતા, એના પૈસા રૂ. 75 લાખ થઈ ગયા છે.

વર્ષ 2024માં સેન્સેક્સમાં આશરે 2800 અથવા ચાર ટકાની તેજી આવી છે, જ્યારે નિફ્ટી 1000 પોઇન્ટથી વધુ અથવા 4.65 ટકા મજબૂત થયો છે. BSE 500 ઇન્ડેક્સ 7.5 ટકા મજબૂત થયો છે. BSE મિડકેપ ઇન્ડેક્સ 11.50 ટકા મજબૂત થયો છે, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 2024માં 7.5 ટકા મજબૂત થયો છે.

વર્ષ 1990થી અત્યાર સુધી બજારને કેટલીક મોટી ઘટનાઓએ અસર કરી છે, જેમાં વર્ષ 2020માં કોવિડ19, 2008માં વૈશ્વિક મંદી, 1992માં હર્ષદ મહેતા કૌભાંડ, 1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ, 1999માં કારગિલ યુદ્ધ, 2001માં સંસદ પર અને USમાં આતંકવાદી હુમલો, નોટબંધી અને બેન્કિંગ કૌભાંડ સામેલ છે.