ઇન્દોરઃ કેન્દ્રિય નાગરિક ઉડ્ડયનપ્રધાન અને ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિશ્વાસ દર્શાવ્યો હતો કે ભાજપ 2023માં મધ્ય પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં બહુમતીથી જીતશે અને રાજ્યમાં ફરી એક વાર સદ્દાની ધુરા સંભાળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાએ કાર્યકર્તાઓને દિશા-નિર્દેશ આપ્યું છે અને દેશની જનતા ડબલ એન્જિનની સરકારને ચૂંટણીમાં ઐતિહાસિક વિજય અપાવશે.
વડા પ્રધાને છેલ્લાં સાત વર્ષોમાં એક જન-કેન્દ્રિત સરકારની સ્થાપના કરી છે. વળી, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ લોકોના કલ્યાણ માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે આગામી 2023ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ભારે બહુમતીથી વિજય મેળવશે. કોંગ્રેસ મારો ભૂતકાળ છે અને એ ભૂતકાળને હું વાગોળવા નથી ઇચ્છતો. હું હવે વર્તમાન અને ભવિષ્ય વિશે વાત કરીશ, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે અમે 2023માં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવીશું. સિંધિયાનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની સતત માગ ઊઠી રહી છે. તેમણે કોંગ્રેસના નેતૃત્વ પર કોઈ પણ પ્રતિભાવ માપવાથી સ્પષ્ટ ના પાડી હતી. કોંગ્રેસ મારો ભૂતકાળ છે અને હું મારા ભૂતકાળ વિશે વાત કરીને સમય બરબાદ કરવા નથી માગતો, એમ તેમણે કહ્યું હતું.