પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડશે ભાજપ

ચંડીગઢઃ ભાજપ પંજાબમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. પાર્ટી પ્રદેશ એકમના પ્રમુખ સુનીલ જાખડે આ માહિતી આપી હતી.આ ઘોષણા શિરોમણિ અકાલી દળ અને ભાજપમાં સંસદીય ચૂંટણી માટે ફરીથી ગઠબંધન સંબંધી વાતચીતની અટકળોની વચ્ચે આવી હતી. પંજાબમાં 13 લોકસભા સીટો માટે મતદાન સાત તબક્કામાંથી છેલ્લા તબક્કામાં એક જૂને થશે. જાખડે સોશિયલ મિડિયા મંચ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ભાજપ પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડશે. ભાજપના લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓથી મળેલા ફીડબેક પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે આ નિર્ણય પાર્ટીના લોકો, પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ, પંજાબના ખેડૂતોની સલાહ પર લેવામાં આવ્યો છે. પંજાબના વેપારી, મજૂરો, પછાત વર્ગના ઉજ્જવલ ભવિષ્ય માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં  ભાજપ દ્વારા કરવામાં આવેલાં કામ કોઈનાથી છુપાયેલાં નથી. છેલ્લાં 10 વર્ષોમાં ખેડૂતોને પાકો પર મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) પર ખરીદવામાં આવી છે.

ભાજપ અને અકાલી દળની વચ્ચે ગઠબંધન ના થવાનાં કારણોનો સ્પષ્ટ ખુલાસો અત્યાર સુધી નથી થયો. કરતારપુર કોરિડોર અને કેન્દ્ર સરકાર દ્વારા પંજાબ માટે કરવામાં આવેલાં કાર્યોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

પંજાબમાં શિરોમણિ અકાલી દળ 1997થી 2020 સુધી ભાજપની જૂની સહયોગી પાર્ટી રહી છે. જોકે વર્ષ 2020માં ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં હરસિમરત કૌર બાદલે કેન્દ્ર સરકારના મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. એ પછી બંને પક્ષોના રસ્તાઓ અલગ થઈ ગયા છે. બંને પક્ષોએ પંજાબ વિધાનસભા ચૂંટણીથી અલગ અલગ લડી હતી.