ભોપાલઃ મધ્ય પ્રદેશમાં રાજકીય નાટક ધાર્યા કરતાં કંઈક લાંબું ચાલ્યું. હવે તો દરેકના મનમાં સવાલ ઊભા થાય છે કે કમલનાથ સરકાર બચશે કે પડી જશે. ભાજપ પણ હવે રાજકીય ગરમાટા વચ્ચે છાશ ફૂંકી-ફૂંકીને પી રહ્યો છે. નવી દિલ્હીમાં એમ ભાજપના મોટા નેતાઓ સાથે કેન્દ્રીય નેતાઓની બેઠક યોજાઈ તો એમાં પણ નિર્દેશ આપવામાં આવ્યો કે કમલનાથ સરકારને અસ્થિર કરવાના કોઈ પણ પગલાથી દૂર રહો. દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરના સત્તાવાર નિવાસસ્થાને મિટિંગ યોજાઈ હતી, જ્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, કૈલાશ વિજય વર્ગીય અને નરોત્તમ મિશ્રાની મીટિંગ ગૃહપ્રધાન અમિત શાહ સાથે થઈ હતી.
બળવાખોર વિધાનસભ્યો પર ચર્ચા
આ મિટિંગમાં એ બળવાખોર વિધાનસભ્યો પર વિચારવિમર્શ કરવામાં આવ્યો, વાર-તહેવારે કમલનાથ સરકારના નિર્ણયોની પ્રશંસા કરે છે. આ મિટિંગમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક નેતાઓ પણ સામેલ થયા હતા. ભાજપની કાર્યકારિણીના એક વરિષ્ઠ નેતાએ હતું કે કેન્દ્રીય નેતાઓએ કોંગ્રેસના આરોપો અને દાવાઓ સામે ભાજપના નેતાઓને એકજૂટ રહેવા સંદેશ આપ્યો હતો. ભાજપના નેતા પ્રહલાદ પટેલે કહ્યું હતું કે પાર્ટી કોંગ્રેસના આરોપોનનો જડબાતોડ જવાબ આપશે.
કોંગ્રેસના 20 વિધાનસભ્યો ભાજપના સંપર્કમાં
ભાજપના કેટલાક નેતાઓ દાવા કરી રહ્યા છે કે કોંગ્રેસના 20થી વધુ વિધાનસભ્યો ભાજપના સંપર્કમાં છે. આ વિધાનસભ્યો બુંદેલખંડ, મધ્ય ભારત અને પશ્ચિમી નિમાડના છે. જોકે સામે પક્ષે મુખ્ય પ્રધાન કમલનાથનું કહેવું છે કે કોંગ્રેસના નેતા બિકાઉ નથી અને તમામ વિધાનસભ્યો એકજૂટ છે.
દિગ્વિજય સિંહ હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાડ્યો તો ભાજપે યાદવાસ્થળીનો પ્રહાર કર્યો
કમલનાથ સરકાર પર સંકટ તોળાઇ રહ્યું છે, ત્યારે એની વચ્ચે ઓપરેશન લોટસની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. સામે પક્ષે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહે ચૌહાણે કહ્યું છે કે કોંગ્રેસમાં એટલી યાદવાસ્થળી છે કે ના પૂછો વાત.