લખનૌ: ઉત્તર પ્રદેશની ખતૌલી વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય વિક્રમ સેનીએ નાગરિકતા કાયદાનું સમર્થન કરતા ઢંગધડા વગરનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને પણ આ પ્રકારનો કાયદો બનાવીને ભારતમાંથી પ્રતાડિત મુસલમાનોને તેમના દેશમાં બોલાવી લેવા જોઈએ. પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, પાકિસ્તાને પણ સીએએ જેવા કાયદો બનાવવો જોઈએ, જે મુસ્લિમો અહીં (ભારતમાં) પીડિત છે તેમને પાકિસ્તાનની નાગરિકતા આપવી જોઈએ. પ્રતાડિત નાગરિકોની અદલાબદલી કરી લો. જે ત્યાં પીડિત છે તે હિન્દુસ્તાનમાં આવી જાય અને અહીંના પીડિતો પાકિસ્તાન જતા રહે.
વિક્રમ સેનાના આ વિવાદિત નિવેદનનો વિડિયો પણ સામે આવ્યો છે. સમાચાર એજન્સી એનએનઆઈ દ્વારા શેર કરવામાં આવેલો આ વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેના પર લોકોની જોરદાર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક યૂઝરે તેમના નિવેદન અંગે લખ્યું કે, જે માનસિક પીડિત છે તે કયા જાય?
અગાઉ પર વિક્રમ સેની આ પ્રકારના વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. આ પહેલા જમ્મુ-કશ્મીરમાંથી આર્ટિકલ 370ને દૂર કરવા મામલે તેમણે કહ્યું હતું કે, આ નિર્ણયથી પાર્ટી કાર્યકર્તા એકદમ ઉત્સાહિત છે કારણ કે, હવે કાર્યકર્તાઓ ત્યાંની સુંદર-સુંદર છોકરીઓ સાથે લગ્ન કરી શકશે. આ ઉપરાંત સેની જવાહરલાલ નેહરુ અને ગાંધી પરિવાર ઉપર પણ અશોભનીય ટિપ્પણી કરી ચૂક્યા છે. ગયા વર્ષે નસરુદ્દીન શાહના અસુરક્ષાના નિવેદન પર સેનીએ કહ્યું હતું કે, જેને લોકો ભારતમાં અસુરક્ષા અનુભવી રહ્યા હોય તેમને બોમ્બથી ઉડાવી દેવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં મોટાપાયે હિંસા થઈ ચૂકી છે અને વિરોધનો વંટોળ હજુ પણ શાંત પડયો નથી. શુક્રવારે સીએએ અને એનઆરસીના વિરોધમાં હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવેસીએ તિરંગા યાત્રા કાઢી હતી. રેલી ઈદગાહ મીર આલમથી શાસ્ત્રીપુરમ ગ્રાઉન્ડ સુધી કાઢવામાં આવી. ઓવેસીને વેપારીઓનું પણ સમર્થન મળ્યું અને વેપારીઓએ પોતાની દુકાનો સ્વ્યંભૂ બંધ રાખવાની જાહેરાત કરી હતી.
