JNU હિંસાનો મામલોઃ 9 શકમંદોમાં આઈશી ઘોષનો સમાવેશ

નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે 9 જણનાં ફોટોગ્રાફ્સ જાહેર કર્યા છે. આમાં વિદ્યાર્થી સંઘની અધ્યક્ષા આઈશી ઘોષનું નામ પણ છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે જે લોકોની ઓળખ થઈ છે તેમાં ચુનચુન કુમાર, પંકજ મિશ્રા, યોગેન્દ્ર ભારદ્વાજ, પ્રિયા રંજન, વિકાસ પટેલ, ડોલન, આઈશી ઘોષના નામનો સમાવેશ થાય છે. પોતાના પર લાગેલા આરોપ વિશે સ્પષ્ટતા કરતાં જેએનયૂએસયૂ અધ્યક્ષા આઇશી ઘોષે કહ્યું કે, દિલ્હી પોલીસ પોતાની તપાસ કરી શકે છે. મારી પાસે તે દેખાડવા માટે પણ પૂરાવા છે કે મારા પર કઈ રીતે હુમલો થયો હતો.

આઇશીએ પત્રકાર પરિષદમાં કહ્યું, ‘મને આ દેશના કાયદો-વ્યવસ્થા પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તપાસ નિષ્પક્ષ થશે. મને ન્યાય મળશે. પરંતુ દિલ્હી પોલીસ પક્ષપાત કેમ કરી રહી છે? મારી ફરિયાદ એફઆઈઆરના રૂપમાં દાખલ કરવામાં આવી નથી. મેં કોઈ મારપીટ કરી નથી.’

ડાબેરી વિચારસરણીનાં સમર્થક આ છાત્રાએ કહ્યું, ‘અમે કંઇ ખોટું કર્યું નથી. અમે દિલ્હી પોલીસથી ડરતા નથી. અમે કાયદાકીય રીતે લડશું અને અમારા આંદોલનને શાંતિ અને લોકશાહીની રીતે આગળ લઈ જશું.’

માનવ સંશાધન વિકાસ મંત્રાલયના સચિવ અમિત ખરે સાથે મુલાકાત બાદ જેએનયૂએસયૂ અધ્યક્ષાએ કહ્યું, ‘અમને આશ્વાસન મળ્યું છે કે આ મામલામાં માનવ સંચાલન મંત્રાલય સકારાત્મક હસ્તક્ષેપ કરશે અને ઝડપથી આ મુદ્દા પર એક પરિપત્ર જારી કરશે.

આઈશીએ એમ પણ કહ્યું, ‘અમે એમએચઆરડી પાસે માગ કરી છે કે જેએનયૂના કુલપતિને તાત્કાલિક પદ પરથી હટાવવા જોઈએ, કારણ કે તે વિશ્વ વિદ્યાલયને ચલાવી શકતા નથી. અમારે એક નવા કુલપતિની જરૂર છે. જે ફરી મદદ કરી શકે અને કેમ્પસમાં સામાન્ય સ્થિતિ લાવવામાં મદદ કરી શકે.