ભાજપનો કોંગ્રેસના કાર્યકર્તાઓ પર મારપીટનો આરોપ

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઘટનાક્રમ ચાલી રહ્યો છે, જેમાં કોંગ્રેસની કમલનાથ સરકાર પર સંકટનાં વાદળો ઘેરાયાં હતા, જેથી દિગ્વિજય સિંહે પણ બેંગલોર જઈને નારાજ વિધાનસભ્યોને મળવાના પ્રયાસો કર્યા હતા. બેંગલુરુમાં કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ સહિત પ્રદેશ કોંગ્રેસના પ્રધાનોને કર્ણાટક પોલીસ દ્વારા અટકાયતમાં લેવાની ઘટનાથી નારાજ થયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ અહીં ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા સાંજે એકઠા થયા હતા અને સૂત્રો પોકાર્યાં હતાં. શહેરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગઈ કાલે સાંજે ભાજપ કાર્યાલયની બહાર પ્રદર્શન કર્યું હતું. પોલીસે કોંગ્રેસના 58 કાર્યકર્તાઓની સામે કેસ નોંધ્યો છે. હબીબગંજ વિસ્તારમાં નગર પોલીસ અધિકારી ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે  ભાજપના જિલ્લા અધ્યક્ષ વિકાસ વીરાનીની ફરિયાદને આધારે પોલીસે રાહુલ રાઠોર સહિત આઠ લોકોની સામે અને 50 અજાણ્યા લોકોની સામે કેસ નોંધ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે આ આરોપીઓની સામે IPCની કલમ 147, 323 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા.

પ્રદેશ ભાજપે કોંગ્રેસ પર આરોપ મૂક્યો   

પ્રદેશ ભાજપના પ્રવકતા રાહુલ કોઠારીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ સરકાર મધ્ય પ્રદેશમાં જવાની છે એટલે હતાશામાં તેમણે ભાજપ કાર્યાલય પર હુમલો કર્યો હતો. તેમણે પત્રકારોને કહ્યું હતું કે અમે શાંતિથી બેઠા હતા, ત્યારે અચાનક કોંગ્રેસના લોકોએ પથ્થરો અને લાકડીઓથી અમારા પર હુમલો કર્યો હતો.

પોલીસે પ્રદર્શનકારીઓની ધરપકડ કરી

ભાજપના કાર્યાલયની સામે કોંગ્રેસ કાર્યકરો વિરોધ કરવા આવ્યા ત્યારે પોલીસે આ પ્રદર્શનકારીઓમાંથી કેટલાકની ધરપકડ કરી લીધી હતી. જોકે આ ઘટનામાં કોઈને ઈજા નથી નથી. વળી કોઠારીના આરોપોનો ઇનકાર કરતાં પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ભૂપેન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય શાંતિપૂર્ણ પ્રદર્શન માટે ગયા હતા, પણ વિરોધ કરતાં પહેલાં જ તેમને હિરાસતમાં લીધા હતા.