આવતી કાલે નિર્ભયાના દોષિતોને ફાંસી

નવી દિલ્હીઃ દિલ્હીની તિહાડ જેલમાં નિર્ભયા મામલે ચાર દોષિતોને ફાંસી આપવા માટે પવન જલ્લાદે તૈયારી અને અભ્યાસ પણ કરી લીધો છે. દોષિતોને જેલમાં આવતીકાલે ફઆંસી આપવામાં આવશે. તો દિલ્હી હાઈકોર્ટે એક દોષિતની અન્ય એક અરજીને ફગાવી દીધી છે. જેલના અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારના રોજ મેરઠથી રાજધાની પહોંચેલા જલ્લાદે ફાંસી આપવા મામલે અભ્યાસ કર્યો હતો. આ દોરડાનો ઉપયોગ દોષિતોને ફાંસી પર લટકાવવા માટે થશે. તિહાડ જેલના ઈતિહાસમાં પ્રથમવાર એવું બનશે કે, એક જ ગુના માટે એક સાથે એક સમય પર ચાર દોષિતોને ફાંસી આપવામાં આવશે. પવન જલ્લાદ પોતાના પરિવારમાં ત્રીજી પેઢીનો જલ્લાદ છે. તેમણે પહેલા કહ્યું હતું કે તેમના દાદાએ સતવંત સિંહ અને કેહર સિંહને ફાંસી પર લટકાવ્યા હતા. આ બંન્ને તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાના ગુનામાં ફાંસી આપવામાં આવી હતી. આ સિવાય તેમના દાદાએ કુખ્યાત ગુનેગાર રંગા અને બિલ્લાને પણ ફાંસી આપી હતી.

પાંચ માર્ચના રોજ એક નિચલી કોર્ટે મુકેશ સિંહ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષય કુમાર સિંહને ફાંસી આપવા માટે નવું ડેથ વોરન્ટ જાહેર કર્યું હતું. ચારેય દોષિતોને 20 માર્ચના રોજ સવારે સાડા પાંચ વાગ્યે ફાંસી આપવામાં આવશે. કોર્ટે ડેથ વોરન્ટને ત્રણ વાર એ આધારે ટાળઈ દીધું હતું કે દોષિતોના તમામ કાયદાકીય ઉપચાર સમાપ્ત થયા નથી.

દિલ્હીમાં 23 વર્ષની વિદ્યાર્થીની સાથે 16 ડિસેમ્બર 2012 ની રાત્રે એક ચાલતી બસમાં બર્બરતા સાથે સામૂહિત બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના 15 દિવસ બાદ પીડિતાનું સિંગાપુરની એક હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઘટનાએ દેશ આખાને હચમચાવી દીધો હતો. પીડિતાને નિર્ભયા નામથી ઓળખવામાં આવી. આ મામલે 6 લોકો આરોપી હતા જેમાં એક નાબાલિગ પણ હતો. તો છઠ્ઠા ગુનેગાર રામ સિંહે મામલામાં સુનાવણી શરુ થયાના થોડા સમય બાદ આત્મહત્યા કરી લીધી હતી. નાબાલિકને 2015 માં છોડી દેવામાં આવ્યો હતો.