રાંચીઃ ઝારખંડની રાજધાની રાંચીમાં આદિવાસી નોકરાની પર જુલમ આચરવાના આરોપમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ભાજપનાં નેતા સીમા પાત્રાની ધરપકડ કરવામાં આવી છે. 30 ઓગસ્ટે ઝારખંડ ભાજપે સીમા પાત્રા પર લાગેલા ગંભીર આરોપો પછી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડેડ ભાજપનાં નેતા સીમા પાત્રા ભૂતપૂર્વ IAS અધિકારી મહેશ્વર પાત્રાનાં પત્ની છે અને તેઓ ભાજપનાં મહિલા વિંગના રાષ્ટ્રીય કાર્ય સમિતિનાં સભ્ય હતાં.
તેમની પર આદિવાસી મહિલા પર અત્યાચાર કરવાનો મામલો કેસ કરવામાં આવ્યો હતો. તેમના ઘરમાં તે નોકરાનીના રૂપે કાર્યરત હતી. ગુમલા જિલ્લાની રહેવાસી 29 વર્ષની સુનીતાએ વિડિયોમાં લડખડાતા અવાજે આપવીતી સંભળાવી હતી, જેમાં તેણે સીમા પાત્રા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સીમા પર આરોપ છે કે તેણે નોકરાનીને જીભથી જમીન અને મળમૂત્ર સાફ કરવા માટે મજબૂર કરી હતી.આ આદિવાસી મહિલા સુનીતાને રાંચી પોલીસે સીમા પાત્રાના પુત્રના દોસ્ત વિવેકની પહેલ પર 22 ઓગસ્ટે અશોકનગર સ્થિત ઘરેથી છોડાવી હતી. સુનીતાની હાલત ખરાબ હોવાથી તેને રિમ્સમાં દાખલ કરવામાં આવી છે, તે હરવા-ફરવામાં પણ અસમર્થ છે અને તેની સારવાર ચાલુ છે.સુનીતાને આશરે 10 વર્ષ પહેલાં સીમા પાત્રાની પુત્રીની મદદ માટે કામ પર રાખવામાં આવી હતી. એ પછી તેના પર વર્ષો સુધી ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. તેની લાઠી-દંડાથી પીટાઈ કરવામાં આવતી હતી. તેને લોખંડની પાઇપથી મારવામાં આવતી અને ચીમટા ભરવામાં આવતા હતા. તેને ગરમ તવાથી પણ ડામ આપવામાં આવ્યા હતા. તેનાં દાંત તોડી પાડવામાં આવ્યા હતા અને તેને એક રૂમમાં ગોંધી રાખવામાં આવતી હતી.