નવી દિલ્હીઃ ભાજપે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSS)એ આગામી કેટલાંક વર્ષો માટે ચૂંટણી માટે વ્યૂહરચના ઘડી કાઢી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું રાજીનામું તો એક કડી માત્ર છે, ભાજપમાં હજી કેટલાંક રાજ્યોમાં નેતૃત્વ પરિવર્તન જોવા મળી શકે છે. ભાજપે ત્રણ મહિનામાં ત્રણ રાજ્યોના મુખ્ય પ્રધાનોને બદલીને આવનારા સમયમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો વિપક્ષ નબળો છે, ત્યાં સુધી ભાજપ નેતૃત્વમાં બધી કચાશ દૂર કરી દેવામાં આવે છે. ગુજરાતમાં નેતૃત્વ આ વાતનો સંકેત છે.
ભાજપના ટોચના નેતૃત્વએ ઉત્તરાખંડ, કર્ણાટક અને ગુજરાતના મુખ્ય પ્રધાન બદલ્યા છે. ઉત્તરાખંડમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી ઉનાળામાં યોજાવાની છે. પક્ષની વ્યૂહરચના અનુસાર ત્યાં જૂના નેતૃત્વની સાથે ચૂંટણીની તૈયારીઓ યોગ્ય રીતે નહોતી થઈ રહી. એ જ કારણે ઉત્તરાખંડમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. કર્ણાટકમાં પણ પાર્ટીએ સૌથી મોટા નેતા બીએસ યેદિયુરપ્પાને બદલી કાઢ્યા. હવે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરીને પક્ષના નેતૃત્વએ સ્પષ્ટ કર્યું હતું કે તે ઢીલા અથવા નબળા નેતૃત્વને નજરઅંદાજ કરવાના પક્ષમાં જરાય નથી.
ભાજપના ટોચના નેતૃત્વને ચિંતા એ છે કે 2024 લોકસભાની ચૂંટણી પહેલાં વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. પક્ષ એ ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવીને સારો દેખાવ કરવા માગે છે. પક્ષ એ માટે અત્યારથી જ તૈયારીમાં લાગી ગયો છે, કેમ કે કોરોના સંક્રમણે ભાજપ માટે ખાસ્સી ચિંતા વધારી છે. લોકોમાં નારાજગી છે, જેની અસર ચૂંટણી પરિણામો પર પડી શકે છે. આવામાં પક્ષ નવા નેતાની સાથે નવી તૈયારીઓની સાથે જનતાનો વિશ્વાસ સંપાદન કરવા ધારે છે.
ભાજપ હજી મધ્ય પ્રદેશ, હરિયાણા, ત્રિપુરામાં મોટા પાયે ફેરફાર કરે એવી શક્યતા છે, એમ સૂત્રોએ કહ્યું હતું.