દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા

નવી દિલ્હીઃ દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે 57 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. દિલ્હી વિધાનસભામાં કુલ 70 બેઠકો છે. 13 ઉમેદવારોની જાહેરાત હજી બાકી છે. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે. મતગણતરી 11 ફેબ્રુઆરીએ હાથ ધરાશે. આમ આદમી છોડીને ભાજપમાં સામેલ થયેલા કપિલ મિશ્રાને મોડલ ટાઉનથી પાર્ટીએ ટિકિટ આપી છે. આ 57 ઉમેદવારોમાં 11 ઉમેદવારો એસસી વર્ગમાંથી છે અને 4 મહિલાઓને પણ ટિકિટ અપાઈ છે.

આ ઉપરાંત ભાજપે તિમારપુરથી સુરેન્દ્રસિંહ બિટ્ટુને ટિકિટ આપી છે. જ્યારે રિઠાલાથી વિજય ચૌધરી, બવાનાથી રવિન્દ્રકુમાર, રોહિણીથી વિજેન્દ્ર ગુપ્તાને ટિકિટ આપી છે. શાલીમાર બાગથી રેખા ગુપ્તા, શકુર બસ્તીથી એસ.સી. વત્સ, નરેલાથી નીલદમન ખત્રી, આદર્શનગરથી રાજકુમાર ભાટિયા, પાલમથી વિજય પંડિત સહિતના લોકોને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ નામોની જાહેરાત કરતા કહ્યું કે અમિત શાહની અધ્યક્ષતામાં ગુરુવારે થયેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 57 ઉમેદવારોના નામ નક્કી થયા. બેઠકમાં પીએમ મોદી, કાર્યકારી અધ્યક્ષ જે.પી.0નડ્ડા, રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતાં. નવી દિલ્હીની બેઠક માટે ઉમેદવારના નામની હજુ જાહેરાત કરવામાં આવી નથી. મનોજ તિવારીએ કહ્યું કે “બાકીના ઉમેદવારના નામની યાદી પણ જલદી જાહેર કરવામાં આવશે. પાર્ટીને દિલ્હી ચૂંટણીમાં બમ્પર બહુમત મળશે તેવી આશા છે.”

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી પોતાના 70 ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂકી છે. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. 11મીએ પરિણામ આવશે. રાજધાનીમાં આ વખતે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપમાં ત્રિકોણીયો જંગ છે. આમ આદમી પાર્ટી સતત ત્રીજીવાર સત્તા મેળવવાની કોશિશ કરી રહી છે જ્યારે ભાજપ અને કોંગ્રેસ પણ પૂરેપૂરું જોર લગાવી રહ્યાં છે.