પટનાઃ દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી આસામના કામખ્યા જતી નોર્થઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનને ગઈ કાલે રાતે બિહારના બુક્સર જિલ્લાના રઘુનાથપુર સ્ટેશન નજીક ભીષણ અકસ્માત નડ્યો હતો. ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચાર જણ માર્યા ગયા છે અને બીજાં 50 જણ જખ્મી થયાં છે. અકસ્માતની જાણ થતાં અનેક સ્થાનિક રહેવાસીઓ કમનસીબ ટ્રેનપ્રવાસીઓની મદદે દોડી ગયા હતા. ગંભીર રીતે ઈજા પામેલા લોકોને પટનાની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દુર્ઘટનાના કારણ વિશે તપાસ હાથ ધરવામાં આવી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે બચાવ કામગીરી પૂરી થઈ ગઈ છે. પાટા પરથી ખડી પડેલા ડબ્બાઓને હટાવી લેવામાં આવ્યા છે. પ્રવાસીઓને સ્પેશિયલ ટ્રેન દ્વારા એમના મુકામે પહોંચાડવામાં આવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, હજી ગયા જૂન મહિનાની 20 તારીખે ઓડિશાના બાલાસોરમાં બે એક્સપ્રેસ ટ્રેનો અને એક ગૂડ ટ્રેનને સાંકળતો ભયંકર ટ્રેન અકસ્માત થયો હતો જેમાં 296 જણ માર્યા ગયા હતા, 176 જણને ગંભીર ઈજા થઈ હતી જ્યારે 451 જણને સામાન્ય પ્રકારની ઈજા થઈ હતી.