CM કેજરીવાલના રાજીનામા પછી પાર્ટીમાં મોટી હલચલ

નવી દિલ્હીઃ આપ સંયોજક CM કેજરીવાલ પછી દિલ્હીના CM કોણ હશે? એ સવાલ પર સસ્પેન્સ છે, ત્યારે રાજકીય વર્તુળોમાં આપના પાંચ મોટા નેતાઓનાં નામ CM ઉમેદવાર માટે રેસમાં સૌથી આગળ ચાલી રહ્યાં છે. આપની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની મીટિંગ સાંજે CM નિવાસસ્થાને મળશે. આ મીટિંગમાં જે નામ પસંદ કરવામાં આવશે એને આપા વિધાયક દળની મીટિંગમાં રાખવામાં આવશે અને એ પછી એ નામની જાહેરાત કરવામાં આવશે.

આ PACમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, મનીષ સિસોદિયા, સંજય સિંહ, સંદીપ પાઠક, ગોપાલ રાય, આતિશી, એનડી ગુપ્તા, દુર્ગેશ પાઠક, પંકડ ગુપ્તા, રાઘવ ચઢ્ઢા, ઇમરાન હુસૈન અને રાખી બિડનાનનો સમાવેશ થાય છે.

CM અરવિંદ કેજરીવાલે જ્યારથી રાજીનામાની જાહેરાત કરી છે, ત્યારથી જ સવાલ થઈ રહ્યો છે કે, આખરે દિલ્હીના નવા CM કોણ હશે?  પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજને પૂછવામાં આવ્યું હતું કે  દિલ્હીના નવા CM કોણ હશે? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે આ વિશે તમને જેટલી જાણકારી છે, તેટલી જ મને છે.

તેમણે કહ્યું હતું કે ‘ભાજપને લઈને જબરદસ્ત નારાજગી છે. તે ચૂંટાયેલા CMની પાછળ પડી ગઈ છે અને પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. તેમ છતાં (કેજરીવાલ) જેલથી બહાર નીકળ્યા તો તેમણે સત્તાનું સુખ ન ભોગવ્યું. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી જનતા નહીં કહે, ત્યાં સુધી હું આ ખુરશી પર નહીં બેસું. કેજરીવાલને વડા પ્રધાનના ઈશારે ફસાવવામાં આવ્યા છે અને હવે તેમના ષડ્યંત્રનો પર્દાફાશ થઈ ગયો છે.