નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાંચીની MP-MLA કોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. રાહુલ ગાંધીએ મોદી સરનેમ માનહાનિ મામલામાં કોર્ટમાં વ્યક્તિગત હાજર થવામાંથી છૂટ માટે અરજી દાખલ કરી હતી, પણ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. હવે જ્યારે પણ સુનાવણી થશે, ત્યારે ગાંધીએ કોર્ટમાં હાજર રહેવું પડશે.
રાંચીની MP MLA કોર્ટમાં પ્રદીપ મોદી નામની વ્યક્તિએ રાહુલ ગાંધીની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. મોદી સરનેમ ટિપ્પણીને લઈને તેમણે કેસ દાખલ કર્યો હતો, જેના પર સુનાવણી ચાલી રહી હતી. રાહુલ ગાંધી તરફથી પ્રદીપ ચંદ્રા વકીલ છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીએ કોલારમાં મોદી સરનેમને લઈને એક વાંધાજનક ટિપ્પણી કરી દીધી હતી. આને લઈને વિવાદ શરૂ થયો હતો. સૌથી પહેલાં ગાંધીની સામે સુરતની MP MLA કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના પર માર્ચ મહિનામાં ચુકાદો આવ્યો હતો.
સુરતની MP MLA કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધીને સજા મળતાં તેમના લોકસભાનું સભ્યપદ ગયું હતું, પણ ત્યાંથી આંચકો મળ્યા પછી ગાંધી હાઇકોર્ટ પહોંચ્યા હતા. ગુજરાત હાઇકોર્ટે પણ ગાંધીની સજા પર નીચલી કોર્ટના ચુકાદા પર પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કરી દીધો હતો.
હાઇકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છક રજા પર ગયા છે અને રજા પરથી આવ્યા પછી તેઓ ચુકાદો સંભળાવશે. કોર્ટમાં ત્યાં સુધી ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો છે.