નવી દિલ્હીઃ દેશનાં પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાને આડે માંડ એક મહિનાનો સમય બચ્યો છે. લોકસભા ચૂંટણી આડે પણ થોડા મહિનાઓ જ બાકી છે, ત્યારે બધી પાર્ટીઓના નેતાઓ ચૂંટણી પ્રચાર-પ્રસાર માટે હેલિકોપ્ટરમાં આવજા કરતા હોય છે. હાલમાં હેલિકોપ્ટરોની માગમાં ખાસ્સો વધારો થયો છે અને આ સપ્તાહે આ ઉડાનોની માગ આસમાનને આંબી છે.
હેલિકોપ્ટરને ભાડામાં લેવા માટે નેતાઓ ખૂબ પૈસા ખર્ચી રહ્યા છે, જેથી એનાં ભાડામાં આશરે 25થી 50 ટકાનો વધારો થયો છે. આ ભાડામાં એટલે પણ વધારો થયો છે, કેમ કે હેલિકોપ્ટરોની સીમિત સંખ્યામાં ઉપલબ્ધતા છે. આગામી છ-આઠ મહિના લોકસભા ચૂંટણી સુધી માગમાં વધવાની અપેક્ષા છે.
રાજકીય ક્ષેત્રે બે મુખ્ય પાર્ટીઓ –ભાજપ અને કોંગ્રેસની વચ્ચે ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે. બંને પક્ષો ચૂંટણીપ્રચાર આક્રમક કરવા માટે હેલિકોપ્ટરો બુક કરવાની હોડમાં લાગેલી છે. બેંગલુરુ સ્થિત ખાનગી એરલાઇન કંપની ગોલ્ડન ઇગલ એવિયેશનના ડિરેક્ટર જિસ જ્યોર્જનું કહેવું છે કે ભાજપ અને કોંગ્રેસની ચૂંટણીપ્રચારની આક્રમકતા જોતાં માગ વધુ છે, જ્યારે પ્રાદેશિક પાર્ટીઓ ટોચના નેતૃત્વ માટે એક-બે હેલિકોપ્ટર સુરક્ષિત રાખે છે.
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા જેવાં ચૂંટણી રાજ્યોમાં માગ વધી છે. જોકે મિઝોરમ માટે ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બુકિંગ પણ ઓછું થઈ રહ્યું છે. વળી, ભારત પાસે હેલિકોપ્ટરોની સંખ્યા માત્ર 239 જ છે. એકલા મધ્ય પ્રદેશ માટે ચૂંટણીપ્રચાર માટે હેલિકોપ્ટરોનું બમ્પર બુકિંગ થયાં છે. મધ્ય પ્રદેશની ચૂંટણીપ્રચાર માટે હેલિકોપ્ટરો રૂ. 100 કરોડની ઉડાન ભરશે.