સંકટમાં મહાગઠબંધન, મધ્યપ્રદેશમાં એકલા હાથે ચૂંટણી લડશે બસપા

નવી દિલ્હીઃ ભાજપ વિરુદ્ધ મહાગઠબંધનની શક્યતાઓને એક મોટો આંચકો લાગતો દેખાઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં આગામી લોકસભા ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. માયાવતીની પાર્ટી બસપાએ તમામ 29 સીટો પર એકલા હાથે જ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. બસપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રામજી ગૌતમે પાર્ટીની એક મહત્વની બેઠકમાં આની જાહેરાત કરી.

માયાવતીએ થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન કર્યું નહોતું. છેલ્લા થોડા સમયથી મહાગઠબંધનને લઈને પ્રયત્નો ચાલી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન.ચંદ્રાબાબુ નાયડૂએ મહાગઠબંધનની બેઠક દિલ્હીમાં બોલાવી હતી પરંતુ તેમાં માયાવતી જોડાયા નહોતા.

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018માં બસપાને માત્ર બે સીટો પર જીત પ્રાપ્ત થઈ હતી. ભિંડમાં સંજીવ સિંહ જીત્યા હતા તો પથરિયાથી રામબાઈ ગોવિંદ સિંહે 2205 વોટથી જીત પ્રાપ્ત કરી છે.