કાંકરિયા કાર્નિવલ 2018: આ વર્ષે ઉમેરાયાં આ નવા આકર્ષણો

અમદાવાદ- 25 ડિસેમ્બર એટલે કે આવતિકાલથી કાંકરિયા કાર્નિવલનો રંગેચંગે પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વખતે કાંકરિયા કાર્નિવલમાં મુલાકાતીઓ માટે નવુ નજરાણું મૂકવામાં આવ્યું છે. કાંકરિયામાં સંપૂર્ણ એસી ટ્રેન દોડતી જોવા મળશે. આ નવી ટ્રેન મુલાકાતીઓ બૂલેટ ટ્રેન જેવી અનુભૂતિ કરાવશે. ભારતમાં  પહેલીવાર કાંકરિયા ખાતે એમ્યુઝમેન્ટ પાર્કમાં એસી ટ્રેન મુકવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેોરેશન દ્વારા મેક ઈન ઈન્ડિયાના કોન્સેપ્ટ અંતર્ગત આ અદ્યતન ત્રીજી ટ્રેન મૂકવામાં આવી રહી છે. આ ટ્રેનની વિશેષતા એ છે કે તે બૂલેટ ટ્રેન જેવી અનુભૂતિ કરાવશે. હાલ આ ટ્રેનને ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે, આવતીકાલે લોકાર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કાંકરિયામાં અત્યાર સુધી અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ જંયતી એક્સપ્રેસ ટ્રેન તો કાર્યરત છે જ. ત્યારે હવે આ સંપૂર્ણ એસી ટ્રેન કાલે ખુલ્લી મૂકાશે.

ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થશે…

અમદાવાદમાં આખરે તરતી રેસ્ટોરન્ટ શરૂ થશે. આવતીકાલે કાંકરિયા કાર્નિવલ દરમિયાન આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ઉદઘાટન કરવામાં આવશે. ફ્લોટિંગ રેસ્ટોરન્ટ  નગીનાવાડી પાસે તૈયાર કરાઈ છે. હવે ખાસ શિપમાં બેસીને લોકો ફૂડની મજા માણી શકશે. ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં 35 થી 40 વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રતિ વ્યક્તિ અંદાજે રૂ. 300ની ટિકીટ રહેશે. ઉલ્લેખનીય છે કે, અગાઉચ રિવરફ્રન્ટમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરાવાની હતી, પરંતુ હવે કાંકરિયામાં આ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે.

કાંકરિયામાં ફરશે કાર….

કાંકરિયા કાર્નિવલમાં મુલાકાતીઓને વધુ એક નજરાણું જોવા મળશે. અહીં મુલાકાતીઓ માટે ઇલેક્ટ્રિક કાર બેટરી ઓપરેટેડ કાર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. કાંકરિયા પરિસરમાં ફરવા માટે આ કારનો ઉપયોગ કરાશે. રૂ.10 થી લઈને રૂ.25 સુધીની ફી ચૂકવીને આ કારમાં કાંકરિયાનો ખૂણેખૂણો જોઈ શકાશે.

હવે આવતીકાલે 25 ડિસેમ્બરથી ફરીથી કાંકરિયા તળાવ ખાતે કાર્નિવલની ધમાકેદાર શરૂઆત થશે. જેમાં વિવિધ સાંસ્કૃતિક અને સંગીતના કાર્યક્રમો, લોકનૃત્યો, હોર્સ અને ડોગ શો, આતશબાજી, શિપ લાઇટિંગ, રોક બેન્ડસ, ફૂડ ફેસ્ટિવલ જેવા ભાતીગળ કાર્યક્રમો યોજાશે. દર વર્ષે સરેરાશ રપ લાખથી વધુ લોકો આ કાર્નિવલનો આનંદ માણે છે અને આ વખતે કાંકરિયા કાર્નિવલ 11માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે.

તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]