અયોધ્યાઃ રામ મંદિરના નિર્માણ માટે 5 ઓગસ્ટના રોજ ભૂમિપૂજન થવાનું છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી મંદિર આધારશિલાની સ્થાપના કરશે. ત્યારે અત્યારે અયોધ્યામાં સૌંદર્યીકરણ અને નિર્માણનું કાર્ય જોર-શોરથી ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નિર્માણના દરેક કાર્યને ખૂબ નજીકથી જોઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી 5 ઓગસ્ટના રોજ અયોધ્યા પહોંચી જશે. ત્યારે ભૂમિ પૂજનના આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે દરેક શક્ય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શહેરમાં કેટલાય સ્થાનો પર કલરફૂલ પેઈન્ટિંગ કરવામાં આવી રહી છે. અલગ-અલગ જગ્યાએ મનમોહક કલાકૃતિઓ બનાવવામાં આવી રહી છે. આખી અયોધ્યા નગરીને ખૂબ સુંદર રીતે સજાવવામાં આવી રહી છે.
તાજેતરમાં જ મુખ્યમંત્રીએ અયોધ્યા પહોંચીને સૌથી પહેલા હનુમાન ગઢીમાં ભગવાન હનુમાનજીની પૂજા-અર્ચના કરી અને ભૂમિ પૂજનને લઈને અહીંયા સંતો સાથે વાત કરી. બાદમાં તેમણે રામ લલ્લાના દર્શન કર્યા હતા. સીએમે રામ મંદિરના ભૂમિ પૂજનની તૈયારીઓનું નિરિક્ષણ પણ કર્યું હતું.
તો બીજી તરફ શ્રી રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને લાંબા સમયથી લડાઈ લડનારા વિશ્વ હિંદુ પરિષદે ભલે કોરોના સંકટને જોતા પોતાના કાર્યક્રમોમાં બદલાવ કર્યા હોય પરંતુ સમારોહને યાદગાર બનાવવા માટે વીએચપીએ લોકોને આહ્વાન કર્યું છે કે, તેઓ 5 ઓગસ્ટના રોજ વિશેષ રુપથી દિપ પ્રજ્વલિત કરે અને અયોધ્યામાં રહેનારા લોકો રામ મંદિર અને રામ જન્મભૂમિ પર પુષ્પોની વર્ષા પણ કરે.