ભોજપુરી એક્ટરની પુત્રી-પત્નીને દુષ્કર્મની ધમકી મળી

મુંબઈઃ ભોજપુરી સિંગર-એક્ટર ખેસારી લાલ યાદવ આજકાલ તેના કામને લઈને નહીં, પણ વિરોધાભાસને લઈને ન્યૂઝમાં છે. એક્ટરે હાલમાં તેના સોશિયલ મિડિયાના હેન્ડલથી બેએક વિડિયો શેર કર્યા હતા. વાસ્તવમાં ખેસારી લાલ અને પવન સિંહની વચ્ચે 36નો આંકડો છે. આ બંનેની લડાઈમાં બંનેના ફેન્સ પણ કૂદી પડ્યા છે. પવન સિંહના એક ફેને ખેસારી લાલ યાદવને ખૂબ ગાળો ભાંડી હતી. હદ તો ત્યારે થઈ, જ્યારે એ શખસે ખેસારીની પત્ની અને પુત્રી વિશે વાંધાજનક વાતો કહી હતી. જેથી ખેસારી લાલ યાદવે એ શખસનો વિડિયો સોશિયલ મિડિયા પર શેર કરીને બિહારના CM નીતીશકુમાર પાસે મદદની આજીજી કરી હતી.

તેણે પહેલી મેએ પહેલો વિડિયો શેર કર્યો હતો અને એમાં બિહારના CM નીતીશકુમાર અને બિહાર પોલીસને ટેગ કર્યા હતા અને એ શખસ સામે પગલાં લેવા વિનંતી કરી હતી. તેણે લખ્યું હતું કે આ માનસિક રોગી અને ઝેરીલી વ્યક્તિ ગાળો જ નહીં, બલકે મારી પત્ની અને પુત્રીને ધમકી આપી રહી છે. મને આશા છે કે મને ન્યાય મળશે અને ઝેરીલા લોકોની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. તમારો ખેસારી.

એ પછી તેણે ઇન્સ્ટાગ્રામ પર એ વિડિયો શેર કર્યા હતા અને લખ્યું હતું કે હવે મને અને મારા પરિવારને કંઈ થાય તો બિહાર પોલીસ જવાબદાર રહેશે.

ખેસારી લાલે બીજી મેએ પણ એ જ વ્યક્તિનો બીજો એક વિડિયો મૂક્યો હતો અને લખ્યું હતું કે બિહાર પોલીસે એ વ્યક્તિ સામે હજી સુધી કોઈ પગલાં નથી ભર્યાં. તેણે સવાલ કર્યો હતો કે શું બિહારની કાયદો વ્યવસ્થા ગુંડાને હાથે ગિરવી છે, મુખ્ય પ્રધાનજી?