રાજસ્થાનના નવા મુખ્ય મંત્રી ભજનલાલ શર્મા

જયપુરઃ રાજસ્થાનના નવા CM ભજનલાલ શર્મા હશે. તેઓ સાંગાનેર સીટ પરથી વિધાનસભ્ય છે. તેઓ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. તેમને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.  તેમના સિવાય રાજસ્થાન સરકારમાં બે ડેપ્યુટી CM થશે. ભરતપુરના રહેવાસી  ભજનલાલ શર્મા સંગઠનમાં લાબા સમયથી કાર્યરત છે. તેઓ પ્રદેશના મહામંત્રી તરીકે કાર્ય કરતા રહ્યા છે. સાંગાનેરની સીટ ભાજપનો ગઢ છે. સંગઠનમાં તેમની મહત્ત્વની ભૂમિકા જોતાં તેમને મુખ્ય મંત્રી પદની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ અમિત શાહની નજીકના વ્યક્તિ છે.

આ ઉપરાંત રાજસ્થાનમાં બે ડેપ્યુટી સીએમ પણ હશે. દિયા સિંહ અને પ્રેમચંદ બૈરવાંને ડેપ્યુટી સીએમ બનાવ્યા છે. તથા સ્પીકર તરીકે બાંસદેવજી દેવનાનીનું નામ જાહેર કર્યું છે.

આ બેઠક પહેલાં રાજનાથ સાથે તમામ ધારાસભ્યોનું ગ્રુપ ફોટો સેશન થયું. આ ફોટો સેશનમાં વસુંધરા રાજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની બરાબર બાજુમાં બેઠાં હતાં.

કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીને પાર્ટી હાઈકમાન્ડ દ્વારા તાત્કાલિક જયપુર પહોંચવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમ જ અજમેર ઉત્તરના ધારાસભ્ય અનિતા ભદેલ પાછલા દરવાજેથી ધારાસભ્ય દળની બેઠકમાં પહોંચ્યા હતા.

આ બેઠક પહેલાં હોટલમાં રાજનાથ સિંહ અને પૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજે વચ્ચે વન ટુ વન વાતચીત પણ થઈ હતી. આ પછી રાજનાથ સહિત ત્રણેય નિરીક્ષકો હોટંલમાંથી ભાજપ કાર્યાલય જવા માટે રવાના થયા હતા. રાજનાથની કારમાં વસુંધરા પણ હાજર છે.