કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ મમતા બેનરજીને બંધારણની શરત મુજબ મુખ્ય પ્રધાન બન્યાંના છ મહિનામાં વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવવું પડે. હાલ તેઓ વિધાનસભ્ય નથી. કોલકાતાના ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી માટે આજે મતદાન થયું હતું. આ બેઠક પર બેનરજી સામે ભારતીય જનતા પાર્ટીએ ઊભાં કર્યાં છે મહિલા ઉમેદવાર પ્રિયંકા ટીબરેવાલને. જ્યારે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી તરફથી શ્રીજીબ બિસ્વાસને ઊભા રાખવામાં આવ્યા છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં 53 ટકા મતદાન થયું હતું. આજનું મતદાન મમતા બેનરજીનું ભાવિ નક્કી કરશે. જો તેઓ આ ચૂંટણી હારી જશે તો એમણે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું પડશે. બેનરજીએ આ વર્ષના આરંભમાં નંદીગ્રામ મતવિસ્તારમાંથી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપના નેતા સુવેન્દુ અધિકારી સામે એમનો પરાજય થયો હતો. ત્યારબાદ બેનરજી માટે ચૂંટણી લડવાનો માર્ગ મોકળો કરવા માટે પશ્ચિમ બંગાળના કૃષિ પ્રધાન સોહનદેવ ચટ્ટોપાધ્યાયે ભવાનીપુરમાં એમના વિધાનસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું અને તેને પગલે પેટા-ચૂંટણી યોજવામાં આવી રહી છે. 3 ઓક્ટોબરે મતગણતરી કરાશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે. પ્રિયંકા ટીબરેવાલ ભાજપ યુવા મોરચાનાં ઉપપ્રમુખ છે. વ્યવયાયે લૉયર છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા વિરુદ્ધ કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરનારાઓમાંના એક તે પણ છે.
આજે મતદાન સમાપ્ત થયા બાદ ચૂંટણી હિંસા ભડકી ઉઠે એવી આશંકા હોવાથી સુરક્ષાનો અધિક કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે મતદાનનો દિવસ હોવાથી મતદાનમથકોના 200-મીટરના ક્ષેત્રફળમાં આવતા તમામ વિસ્તારોમાં સત્તાવાળાઓએ 144મી કલમ લાગુ કરી છે, જેથી આ વિસ્તારોમાં ચારથી વધારે વ્યક્તિના ભેગાં થવા પર પ્રતિબંધ રહેશે. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસની 20 અધિક ટૂકડીઓને મતવિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળવા ગોઠવી દેવામાં આવી છે. નિયંત્રણો અને સુરક્ષા પગલાં આજે સાંજે મતદાન પૂરું થાય ત્યાં સુધી અમલમાં રહેશે.