ભાજપમાં જોડાવાનો નથી, કોંગ્રેસમાં રહેવાનો નથીઃ અમરિન્દરસિંહ

નવી દિલ્હીઃ પંજાબના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવાની ફરજ પડ્યા બાદ અમરિન્દરસિંહ એમની કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એવી અટકળો છે. એમાં વળી, તે ગઈ કાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા એટલે તે અટકળોએ જોર પકડ્યું છે. પરંતુ અમરિન્દરસિંહે એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં સ્પષ્ટ કર્યું છે કે પોતે ભાજપમાં જોડાવાના નથી. તેમણે એમ જોકે એમ પણ કહ્યું કે પોતે કોંગ્રેસ પાર્ટીમાં રહેવાના નથી.

અમરિન્દરસિંહ આજે સવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલને અહીં એમના નિવાસસ્થાને મળ્યા હતા. તે મુલાકાત બાદ અમરિન્દરસિંહે ન્યૂઝ ચેનલને કહ્યું કે હું કોંગ્રેસમાં રહેવાનો નથી. મારી સાથે આ રીતે વ્યવહાર કરાય એ હું સાંખી નહીં લઉં. અમરિન્દરસિંહે ગઈ 18 સપ્ટેમ્બરે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે એમણે પત્રકારોને કહ્યું હતું કે કોંગ્રેસ નેતાગીરીએ મારું અપમાન કર્યું છે. એમની જગ્યાએ કોંગ્રેસે દલિત નેતા ચરણજીતસિંહ ચન્નીને મુખ્ય પ્રધાન બનાવ્યા છે.